Charotar Sandesh
ઈન્ડિયા

આકાશમાં લોકડાઉન ખત્મ, વિમાનોની ઘરેરાટીથી આકાશ ગૂંજી ઉઠ્યું : એરપોર્ટ પર મુસાફરોની હિલચાલ…

તમામ મુસાફરોના ચહેરા પર માસ્ક ફરજીયાત, પહેલાં જ દિવસે ફ્લાઇટ કેન્સલ…

પીપીઈ, ગ્લવ્સ, માસ્ક પહેરેલા મુસાફરો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતાં જણાયાં, પ્રથમ ગ્રાસે મક્ષિકા, દિલ્હીથી ૮૨ ફ્લાઈટ રદ થઈ, મુસાફરો રઝળ્યા…

એરલાઈન્સ દ્વારા ફ્લાઈટ રદ થવાની કોઈ જાણકારી ના અપાતા પેસેન્જર્સ તોતિંગ ભાડા ચૂકવી એરપોર્ટ પહોંચ્યા હતા…

ન્યુ દિલ્હી : અંદાજે ૬૦ દિવસના લોકડાઉનથી શાંત પડેલા ભારતના આકાશમાં આજે ફરી એકવાર વિમાનોની ઘરેરાટી અને એરપોર્ટ પર મુસાફરોની હિલચાલ અને અવરજવર તથા ચહલપહલ જોવા મળી હતી. તમામ પ્રવાસી મુસાફરો માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. પહેલા જ દિવસે ક્યાંક વિમાન કેન્સલનો સામનો મુસાફરોને સહન કરવો પડ્યો હતો.
નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી આજે ૨૪૩ ફ્લાઈટનું સંચાલન થવા અંગેનું શીડ્યુલ હતું. જે પૈકી ૧૧૮ અરાઈવલ તેમજ ૧૨૫ ડીપાર્ચર ફ્લાઈટ્‌સ હતી. દેશભરમાં તમામ મોટા એરપોર્ટ પરથી આજથી ફ્લાઈટ્‌સ પુનઃ શરૂ થઈ રહી છે. જો કે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો છે. પ્રથમ દિવસે જ દિલ્હીમાં જ ૮૨ ફ્લાઈટ્‌સ રદ કરવામાં આવી છે.

દેશભરમાં સોમવારે ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરી દેવાઈ હતી. દિલ્હી-ભુવનેશ્વર વિસ્તારની ફ્લાઈટમાં મુસાફરો ફેસ શિલ્ડ પહેરેલા જોવા મળ્યા હતા. એર ઈન્ડિયાની બેંગલુરુ- હૈદરાબાદ ફ્લાઈટ કોઈ પણ પ્રકારની અગાઉની સૂચના વગર રદ કરી દેવાઈ હતી.

મુસાફરોઓએ જણાવ્યું કે, બોર્ડિંગ પાસ સ્કેન કરવા અંગે કહેતાં એવો જવાબ મળ્યો કે, ફ્લાઈટ કેન્સલ કરી દેવાઈ છે. બે મહિના સુધી સંપૂર્ણ બંધ રહ્યા પછી જ્યારે આજે ઈદના દિવસથી જ ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થઈ ત્યારે મોહમ્મદ ઈમરાન માટે આ સમાચાર ઈદી જેટલી જ મીઠાસ લઈને આવ્યા હતા. બે મહિનાથી દિલ્હીમાં ફસાયેલા ઈમરાન ઈદના દિવસે રાંચી પરત ફરવા માટે ખૂબ ઉત્સાહિત હતા. પરંતુ દિલ્હી એરપોર્ટ પર પહોંચતા જ તેમનો ઉત્સાહ હતાશામાં ફેરવાઈ ગયો હતો.

ઈમરાને કહ્યું, મારી સવારે સાત વાગે ફ્લાઈટ હતી. હું બે કલાક પહેલાં જ એરપોર્ટ પહોંચી ગયો હતો. પરંતુ અહીં આવીને ખબર પડી કે ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ છે. આ વિશે એર ઈન્ડિયાએ પહેલાં કોઈ માહિતી નહતી આપી. ફ્લાઈટ કેન્સલ થતાં પહેલાં કોઈ એસએમએસ કે ફોન પણ નહતો આવ્યો અને ઓનલાઈન ચેક કર્યું તેમાં પણ ફ્લાઈટ કેન્સલ નહતી બતાવતી. હું જ્યારે એરપોર્ટ આવ્યો ત્યારે એર ઈન્ડિયા સ્ટાફે કહ્યું કે, તમારી ફ્લાઈટ કેન્સલ થઈ છે.ઈમરાન હવે હતાશ થઈને એરપોર્ટથી પરત ફરી રહ્યા છે. ઘણી ફ્લાઈટ કેન્સલ કરી દેવામાં આવી છે અને ઘણી ફ્લાઈટ્‌સના ટાઈમ ૧૦-૧૨ કલાક પાછળ કરવામાં આવ્યો છે.

મોટી સંખ્યામાં ફ્લાઈટ્‌સ રદ થવા લેટ થવા વિશે એક અધિકારીએ જણાવ્યું કે, ઘણાં રાજ્યોએ ફ્લાઈટ્‌સને મંજૂરી આપવાની ના પાડી દીધી છે, તેથી તકલીફ વધી રહી છે. બંગાળની દરેક ફ્લાઈટ્‌સ રદ કરી દેવામાં આવી છે. આ સિવાય અન્ય અમુક રાજ્યોમાં પણ જતી ફ્લાઈટ્‌સમાં આવું થયું છે.

કોટાથી દિલ્હી એરપોર્ટ પહોંચેલા એક મુસાફરે જણાવ્યું કે, અમે ૧૬ સ્ટૂડન્ટ છીએ. દરેક કોટામાં મેડિકલની તૈયારી કરી રહ્યા હતા. અમારી સવારે ૪ વાગે પોર્ટ બ્લેયરની ફ્લાઈટ હતી, જે રદ કરી દેવામાં આવી છે. અમે લોકો રાત્રે અંદાજે ૧૨ વાગે એરપોર્ટ પહોંચી ગયા હતા. આખી રાત અમે જમીન પર બેસી રહ્યા અને અત્યારે પણ એરલાઈન્સે અમને કોઈ રેસ્ટ રૂમ અથવા લોન્જ નથી આપ્યું. તે લોકો હવે એવું કહી રહ્યા છે કે, કદાચ સાંજે ફ્લાઈટ ઉપડશે, પરંતુ એ પણ નક્કી નથી.

પેસેન્જર્સની તૈયારીઓ જોઈને સ્પષ્ટ લાગે છે કે તેઓ ઉડાન ભરવા કેટલા ઉત્સુક છે. દરેક વ્યક્તિ ન્યૂ નોર્મલની અપેક્ષાઓ પ્રમાણે તૈયારી પૂરી કરીને એરપોર્ટ પહોંચ્યા છે. ચહેરા પર માસ્ક, હાથમાં ગ્લવ્સ સિવાય અમુક યાત્રીઓ ઓવરઓલ પર્સનલ પ્રોટેક્શન ગીયર સાથે એરપોર્ટ પર સવારે પહોંચી ગયા હતા.
એવું લાગે છે કે, કોરાના આખા વિશ્વ ઉપર હાવી છે. સવારે એરપોર્ટ પર માસ્ક, શીલ્ડ અને પીપીઈ કિટ વેચનારની દુકાને જ સૌથી વધારે ભીડ જોવા મળી હતી. જે યાત્રીઓ એરપોર્ટ પર હતા તેમાં સૌથી વધારે સ્ટૂડન્ટ, વૃદ્ધ અને નાના બાળકો હતા.

એરપોર્ટ પર સામાન્ય દિવસો કરતા વધારે સુરક્ષા દેખાઈ હતી અને કર્મચારીઓ પણ મુસાફરો પાસે ગાઈડલાઈનનું પાલન કરાવતા હતા. અંદર જતા પહેલા યાત્રીઓનો સામાન સેનેટાઈજ કરવામાં આવી રહ્યો છે. ઓટોમેટિક સેનેટાઈઝ ડિસ્પેન્સર લગાવવામાં આવ્યા છે અને લોકોને અંતર રાખવા માટે વારંવાર લાઉડ સ્પીકર પર અનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે.

એરપોર્ટ પર શરૂઆતનું વાતાવરણ સરળ અને સામાન્ય દેખાતુ હતું. પીપીઈ, ગ્લવ્સ, માસ્ક પહેરેલા યાત્રીઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને વારા ફરથી એરપોર્ટમાં પ્રવેશ કરતાં દેખાયા હતા.

Related posts

વિશ્વમાં ૮૦ દેશોમાં મંકીપોક્સનું સંક્રમણ વધતાં WHOએ વૈશ્વિક આરોગ્ય કટોકટી કરી જાહેર

Charotar Sandesh

ઓડિસ્સા ટ્રેન દુર્ઘટના પર ગૌતમ અદાણીનું એલાન : માતા-પિતા ગુમાવનાર બાળકો માટે અદાણી ગૃપનો આ નિર્ણય, જુઓ

Charotar Sandesh

સફળતા અને ફિટનેસ એકબીજા સાથે સંકળાયેલા છે : વડાપ્રધાન મોદી

Charotar Sandesh