Charotar Sandesh
ઈન્ટરેસ્ટિંગ ટિપ્સ અને કરામત ટ્રેન્ડીંગ

ઉની ઉની લૂં આપતો ઉનાળો…

એ આવ્યો ઉનાળો, જામ્યો ઉનાળો…
બળબળતી હવાનો રોફ તો જુઓ… 
જાણે શરીર પર પાડે છે ઉજરડો !
શરમિંદા બન્યાં છે વૃક્ષો અને છોડવાઓ…
કહે અમને ઉગારો ભલે લાવો કુહાડો! 
લાગે છે હવે પાપનો ઘડો ઉભરાયો…
જોને આ સુરજદાદો મોટો જમ થાતો…
આપણે ઘણી બધી બાબતોનો કુદરતી વારસો ધરાવીએ છીએ એમાં એક વારસો ૠતુઓનો વારસો પણ ગણી શકાય. ભારત દેશની ભૌગલિકતાને અનુરૂપ અહીં મુખ્ય ત્રણ ૠતુઓ શિયાળો, ઉનાળો અને ચોમાસું નિશ્ચિત સમયગાળા માટે અનુભવાય છે.દરેક ૠતુઓની પોતાની અદા છે. શિયાળો ગંભીર ,શાંત છતાં ઉત્સાહ પ્રેરક અને મનમોહક. ઉનાળો ઉગ્ર, તેજ  અને અકળાવનારો છતાં આમ્રઘટાની મોજ આપનારો. અને ચોમાસું ક્યારેક ધીરું તો ક્યારેક ધોધમાર કે જાણે સંવેદનશીલ કવિ બની ભીંજવનારું. આપણાં ભારત દેશમાં ઋતુઓની અદાને અનુરૂપ તહેવારો પણ છે અને આ તહેવાર પ્રમાણે પોષાક અને ખોરાક પણ છે, જે વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાની ઓળખ છે.
હાલ તો સૂર્ય આપણો પડછાયો બની રહેવાની જીદમાં છે. તે ઉનાળાનું સામ્રાજય અને આકાશનું સિંહાસન લઇને સવારે ઉઠીને હીંચકે બેસી છાપું વાંચીએ ત્યારથી લઈને બપોરની રસોઇ કે ઓફિસ કામ કરીએ થોડી વાર એમ જ આંખ મીંચીને આરામ કરી લઇએ અને સાંજે કેરીનો રસ કે વરિયાળીનું શરબત આરોગીએ ત્યાં સુધી આપણી સાથે જ રહીને જાણે એક રાજા તરીકેની વફાદારી નિભાવે છે.
સૂરજની રાણીઓ ઉષા અને સંધ્યા આ ઉનાળામાં સૂરજની માનીતી હોય એમ વર્તે છે ત્યારે સૂર્ય કિરણો જાણે પૃથ્વી પર ચોકીફેરો કરે છે. બારી બારણાની તિરાડોમાંથી ઘરની અંદર પ્રવેશી જતું આ સૂર્યકિરણ દરેક ઘરોમાં જાણે રંગોળી પુરે છે. ભર બપોરે ભગ્ન હૃદયના પ્રેમીનો સુનકાર જાણે પ્રકૃતિએ ખૂદ લઇ લિધો હોય એવા નદી નાળા અને વનવગડા ભાસે છે, જાણે સઘળું અસ્તિત્વ રિસાઈ ના ગયુ હોય છે! માત્ર એકલી ધૂળની ડમરીઓ જ હસ્યા કરે છે! પણ કહેવાય છે ને આકરી અને ઉગ્ર વાતો ઓસડ સમ હોય છે. એવું જ આ ઉનાળાનું છે.
આ ઉનાળા થકી જ આપણને વર્ષા રાણીનું આગમન મળે છે. એ જ સૂરજ વૃક્ષો અને દરિયા સાથે દોસ્તી નિભાવી સજીવ સૃષ્ટિ માટે વરસાદને પૃથ્વી પર ખેંચી લાવે છે. અને સાચા અર્થમાં સૂરજ દેવ બને છે.
  • એકતા ઠાકર,  મુખ્ય શિક્ષક બામણગામ પ્રાથમિક કન્યા શાળા, તાલુકો :-આંકલાવ, જિલ્લો : આણંદ

Related posts

રેકોર્ડબ્રેક : મહારાષ્ટ્રના સોલાપુરમાં ડુંગળીનો ભાવ ૨૦૦ રૂપિયાને પાર…!

Charotar Sandesh

લાંબુ જીવવું છે?.. ‘બેસવાનુ છોડી’ ને રોજ ૩૦ મીનીટ માટે કોઈ પણ પ્રકારનું હલનચલન કરો

Charotar Sandesh