Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

જલારામ બાપાની ૨૨૦મી જન્મજયંતી નિમિત્તે વીરપુરમાં ભાવિકોની લાંબી લાઇન લાગી…

જૂનાગઢમાં શોભાયાત્રા નીકળી, ઠેર ઠેર અન્નકૂટ, શોભાયાત્રા સહિતના આયોજનો…

રાજકોટ : ગાગર જેવડા વીરપુરમાં સાગર જેવડા સંત શિરોમણી પૂ.જલારામબાપાનો જન્મ અભિજીત નક્ષત્રમાં સવંત ૧૮૫૬ કારતક સુદ સાતમના દિવસે વીરપુર ગામમાં થયો હતો. જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો જેવા મંત્રથી સદાવ્રતની સેવાથી વિશ્વભરમાં જેની ખ્યાતી છે તેવા સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૦મી જન્મજયંતી ઉજવાઇ રહી છે. ત્યારે બાપાના દર્શન કરવા અને બાપાના આશીર્વાદ લેવા માટે મોડીરાતથી ભક્તો લાઈનમાં ઉભા છે. વીરપૂરમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.
વીરપુર વેપારી મિત્ર મંડળ દ્વારા વીરપુરના રસ્તાઓ તેમજ મેઇનબજારોમાં ધજા, પતાકા તેમજ લાઇટિંગ ડેકોરેશન કરી રોશનીથી શણગારવામાં આવ્યા છે. આજરોજ વહેલી સવારે પૂ.બાપાના સમાધી સ્થળે પૂ.બાપાના પરિવાર દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી. જય જલિયાણના નાદ સાથે વીરપુરમાં જલારામબાપાની ૨૨૦મી જન્મ જયંતીની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. વીરપુરમાં ઠેક ઠેકાણે જલારામબાપાના જીવન ચરિત્રના ફ્લોટ ઉભા કરવામાં આવ્યા છે અને બાપાનું જીવન ચરિત્રને દર્શાવામાં આવી રહ્યું છે, વીરપુરમાં જાણે દિવાળી હોય તેમ ઘરે ઘરે રંગોળીઓ કરવામાં આવી છે. બાપાના દર્શન કરવા માટે દેશ-વિદેશમાંથી ભક્તોનો પ્રવાહ અવિરત આવી રહ્યો છે. જ્યારે દર્શન માટે ભક્તો મોડીરાતથી જ કતારમાં ઉભા રહી ગયા છે.જલારામ બાપાના દર્શન માટે મોડીરાતથી જ કતારમાં ઉભેલા લોકો માટે સેવાભાવી સંસ્થાઓ અવિરત સેવા પૂરી પાડી રહી હતી. જેમાં ભક્તો માટે નાસ્તાથી લઇને પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાપાના ભક્તોને કોઈપણ જાતની મુશ્કેલી ના પડે તે માટેની તમામ તકેદારી રાખવા આવી હતી.
જૂનાગઢ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામબાપાની ૨૨૦મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના આઝાદ ચોક, પોસ્ટ ઓફિસ રોડ સ્થિત જલારામ મંદિર ખાતે અન્નકોટ દર્શન અને શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. સાંજે ૪ કલાકે જલારામબાપાના જીવન ચરિત્ર્ય દર્શાવતા વિવિધ ફ્લોટ્‌સ સાથે શોભાયાત્રા આઝાદ ચોકથી વણઝારી ચોક, રાણાવાવ ચોક, કાળવા ચોક, જયશ્રી રોડ થઇને જલારામ સોસાયટીમાં પૂર્ણ થઇ હતી. આ ઉપરાંત ઝાંઝરડા ચોકડી સ્થિત જલારામ મંદિરે સવારે ૭ કલાકથી વિવિધ કાર્યક્રમો અને સમૂહ ભોજનનું આયોજન કરાયું છે. આ ઉપરાંત અનેક ગામડાઓમાં પણ લોહાણા સમાજ દ્વારા શોભાયાત્રા, અન્નકોટ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
જલારામ જયંતીના આગલે દિવસે જ વાંકાનેર શહેર ખાતે આવેલા ફળેશ્વર મહાદેવ મંદિરમાં બિરાજમાન જલારામ બાપાની મૂર્તિને આજે એક શખ્સ દ્વારા ખંડિત કરતાં ભાવિકોમાં રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. આ શખ્સ દ્વારા જલારામ બાપાની મૂર્તિ સાથો સાથ ત્યાં જ બિરાજમાન મહંત રામકિશોરદાસજી મહારાજની મૂર્તિને પણ ખંડિત કરતા ભાવિકોએ આરોપી વિરુદ્ધ વાંકાનેર શહેર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Related posts

ખાનગી સ્કૂલો શિક્ષણ સિવાયની અન્ય ફી ન વસૂલે : હાઈકોર્ટ

Charotar Sandesh

નવરાત્રી દરમ્યાન આ તારિખથી ૧ ઓક્ટોબર સુધી રાજ્યના છૂટોછવાયો વરસાદ પડશે : અંબાલાલ પટેલ

Charotar Sandesh

રાજ્યમાં ખાનગી લેબોરેટરીઓને કોરોના રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવાની મંજુરી…

Charotar Sandesh