છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૨,૨૫૨ કેસ,૪૬૭ના મોત…
અત્યાર સુધીમાં ૧,૦૨,૧૧,૦૯૨ સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યા…
ન્યુ દિલ્હી : દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે તેવી જ રીતે હવે કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. બે મહિનાના સખત લોકડાઉન બાદ તેમાં આપવામાં આવેલી છૂટછાટ બાદ કોરોનાનો કહેર દિવસેને દિવસે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે મંગળવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને ૭૧૯૬૬૫ સુધી પહોંચી ગયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૨૨૨૫૨ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ ભારત દેશ દુનિયાભરમાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં રશિયાને પાછળ છોડીને ત્રીજા ક્રમાંક પર પહોંચી ગયો છે.
જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૬૦.૮૦ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૫૧૫ લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૪૩૯૯૪૮ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.
જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૪૬૭ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૨૦૧૬૦ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે મંગળવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૨૫૯૫૫૭ એક્ટિવ કેસ છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૨,૧૧,૯૮૭ કેસ નોંધાયા છે જ્યારે ૯૦૨૬ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૧૧૪૯૭૮ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૧૫૭૧ લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં ૧૦૦૮૨૩ કેસ નોંધાયા છે જ્યારે ૩૧૧૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં ૩૬૧૨૫ લોકો સંક્રમણમાં આવ્યા છે ૧૯૬૨ લોકોના મોત થયા છે.
દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૧,૧૬,૧૫,૪૩૩ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૫,૩૭,૯૭૧ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૬,૫૯,૯૨૫૩ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૪,૭૭,૮,૨૦૯ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં રશિયાને પાછળ છોડીને ભારત ત્રીજા ક્રમાંક પર પહોંચી ગયો છે.