૨૪ કલાકમાં ૫૦૧ દર્દીનાં મોત, કુલ મૃત્યુઆંક ૧.૩૮ લાખને પાર પહોંચ્યો…
ન્યુ દિલ્હી : વિતેલા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના વધુ ૩૬,૬૦૪ કેસો નોંધાતા કુલ કેસોનો આંક ૯૫ લાખની લગોલગ પહોંચ્યો છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા ડેટા મુજબ દેશમાં રિકવરી દર ૯૪ ટકાએ પહોંચ્યો છે અને અત્યાર સુધીમાં કુલ ૮૯ લાખ દર્દીઓ કોરોના સામેન જંગ જીતીને સ્વસ્થ થયા છે.
બુધવાર સવારે ૮ વાગ્યા સુધીમાં કોરોનાના નવા ૩૬,૬૦૪ દર્દીઓ નોંધાયા હતા અને કુલ સંક્રમિતોનો આંકડો વધીને ૯૪,૯૯,૪૧૩ થયો હતો. આ જ ગાળામાં વધુ ૫૦૧ દર્દીના મોત થતા કુલ મૃત્યુઆંક વધીને ૧,૩૮,૧૨૨ થયો હતો.
કોરોનાથી રિકવર થયેલા દર્દીઓની સંખ્યા ૮૯,૩૨,૬૪૭ થઈ હોવાથી રિકવરી રેટ ૯૪.૦૩ ટકા નોંધાયો છે અને મૃત્યુદર આંશિક વધીને ૧.૪૫ ટકા થયો છે.
સતત ૨૨માં દિવસે દેશમાં કોરોનાના સક્રિય કેસો ૫ લાખથી નીચે રહ્યા છે. સરકારના જણાવ્યા મુજબ કુલ સક્રિય કેસો ૪,૨૮,૬૪૪ છે જે કુલ કેસ લોડના ૪.૫૧ ટકા હોવાનું જણાય છે. દેશમાં ૨૦ નવેમ્બરના ૯૦ લાખ દર્દીઓનો આંકડો પાર થયો હતો અને બે પખવાડિયાથી ઓછા સમયમાં વધુ પાંચ લાખ દર્દીઓ નોંધાયા છે.
આઈસીએમઆરના મતે ૧ ડિસેમ્બરના રોજ દેશમાં ૧૦,૯૬,૬૫૧ કોરોના સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૧૪,૨૪,૪૫,૯૪૯ કોરોના સેમ્પલનું પરીક્ષણ હાથ ધરાયું હતું.