-
આગામી ૨૮મી તારીખના રોજ યોજાનારી આણંદ જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકા, ચૂંટણી માટે ૧૩૭ જેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામનાર છે…
-
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા અને જિલ્લામાં પણ ૭૦% યુવાનોને તક અપાઈ…
-
આણંદ પાલિકાની ૩ બેઠકો તથા તારાપુર તા. પંચાયતમાં મહિયારી બેઠક બિન હરીફ…
આણંદ : નગરપાલિકાની ચૂંટણીના મંગળવારે ફોર્મ પરત ખેંચાઈ ગયા બાદ હવે ૧૩ વોર્ડની ૪૯ બેઠકો માટે આગામી ૨૮મી તારીખના રોજ યોજાનારી ચૂંટણી માટે ૧૩૭ જેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામનાર છે જેને લઈને આજથી જ ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર અભિયાન શરૂ કરી દેવામાં આવ્યો છે. જો કે ભાજપ અને કોંગ્રેસનું ગણિત અપક્ષો, આપ, એનસીપીના ઉમેદવારો બગાડશે તેમ મનાઈ રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ચૂંટણી યોજાય તે પહેલા જ ત્રણ બેઠકો બિનહરીફ વિજેતા થઈ છે. જેમાં વોર્ડ નંબર ૮માંથી ભાજપના બે મહિલા ઉમેદવારો મમતાબેન પટેલ અને નેહલબેન પટેલ તેમજ વોર્ડ નંબર ૪માંથી અનુસુચિત આદિજાતીની બેઠક પરથી મહેશભાઈ વસાવા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. વોર્ડ નંબર ૮માં માત્ર ૪ જ ઉમેદવારો વચ્ચે જંગ છે જેમાં બે ભાજપના અને એક-એક કોંગ્રેસ આપના ઉમેદવારો છે. સૌથી વધુ ઉમેદવારો વોર્ડ નંબર ૧૨ અને ૧૩માં છે. અહીં અપક્ષો,આપ અને એનસીપના ઉમેદવારોને લઈને બન્ને મુખ્ય પક્ષોના ઉમેદવારોને ચિંતા પેઠી છે. આ ઉમેદવારો કોના વોટ તોડે છે તેના પર સૌની નજરો સ્થિર થયેલી છે. વોર્ડ નંબર ૭માં પણ માત્ર ૬ જ ઉમેદવારો બાકી રહ્યા છે. અહીંયા બે ભાજપની અને એક કોંગ્રેસની મહિલા એમ મળીને કુલ ત્રણ ઉમેદવારો વચ્ચે જ બે સીટો માટે જંગ છે. જ્યારે પુરૂષોની બે બેઠકો માટે પણ ત્રણ જ ઉમેદવારો છે. સૌની નજરો વોર્ડ નંબર ૨, ૬, ૯, ૧૧, ૧૨ અને ૧૩ ઉપર છે. કેમ-કે આ વોર્ડમાંથી જે સૌથી વધુ બેઠકો હસ્તગત કરશે તેની પાલિકામાં સત્તા રચાશે તેમ મનાઈ રહ્યું છે.
ભાજપ માટે વોર્ડ નંબર ૨, ૯, ૧૦મા ઉભેલા કેટલાક અપક્ષો માથાનો દુઃખાવો બન્યા છે. જ્યારે કોંગ્રેસ માટે વોર્ડ નંબર ૫ અને ૧૧માં અપક્ષ તેમજ અન્ય પક્ષોમાંથી ઉભેલા ઉમેદવારો મતબેંકમાં ગાબડુ પાડે તેવી ભીતી સેવાઈ રહી છે. જો કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વાર આ ઉમેદવારો દ્વારા મોટાપાયે નુકશાન ના પહોંચાડાય તે માટે હજી પણ સમજાવટના પ્રયાસો કરાઈ રહ્યા છે અને પોતાની તરફેણમાં ટેકો જાહેર કરવાની મથામણ કરી રહ્યા છે. જેને લઈને આણંદ પાલિકાના રાજકારણમાં ઉનાળાની શરૂઆત પહેલા જ જોરદાર રાજકીય ગરમી જોવા મળી રહી છે.