Charotar Sandesh
આર્ટિકલ યૂથ ઝોન

“પુસ્તક” એટલે માનવીય સંવેદનાઓને વાચા આપતું હૃદય…

કહેવાય છે કે, એક માતા સો શિક્ષકની ગરજ સારે છે ! તો હું કહું છું..” એક પુસ્તક સો મિત્રોની ગરજ સારે છે !!”


પુસ્તકો આપણને એવા ચક્ષુ પ્રદાન કરે છે કે, જે થકી આપણે આપણા જીવનનો માર્ગ કંડારી શકીએ છીએ અને આ જ માર્ગ પર આવનારી મુશ્કેલીઓ સામે લડીને સફળ થઇ શકીએ છીએ. કારણકે પુસ્તકો આપણને એવા સબળ વિચારો પ્રદાન કરે છે કે, જે થકી આપણે મુશ્કેલીઓ સામે લડવા માટેના સુક્ષ્મ હથિયારોથી સુસજ્જ બનીએ છીએ.પુસ્તકો તો આપણી ભાવનાઓને નવા રંગ રૂપ પ્રદાન કરે છે. કારણ કે , પુસ્તકો થકી જ માનવીય સંવેદનાઓનું આદાન પ્રદાન શ્રેષ્ઠ રીતે થઇ શકે છે.

પુસ્તકો વાંચન દરમ્યાન આપણને આપણી જાત સાથેની મુલાકાતોનો અમુલ્ય મોકો મળે છે.આપણે આપણી જાત સાથે નિખાલસ વાતચીત કરી શકીએ છીએ અને આપણામાં રહેલી સારી નરસી બાબતોને વધુ ઉંડાણપૂર્વક જાણી શકીએ છીએ. અને તેથી જ બહારના જીવનમાં આપણો વર્તન વ્યવહાર વધુ અસરકારક અને સુચારું બનાવી શકીએ છીએ. આપણે સૌએ બિમાર માણસની સારવારમાં ઔષધિઓના સેવનની સાથે સાથે પુસ્તક વાંચન પણ ઉમેરવું જોઇએ તો વ્યક્તિના ફૂરસદ સમયનો સદ્ઉપયોગ થાય તથા તંદુરસ્ત મનના નિર્માણ થકી તંદુરસ્ત શરીરનું પણ નિર્માણ થાય.પુસ્તકો થકી સારી ટેવો પ્રત્યે લગાવ થાય છે અને સારી ટેવો થકી જ ઉત્તમ ચારિત્ર્યનું નિર્માણ થાય છે. અને એટલે જ પુસ્તકોના પ્રેમમાં પડ્યા પછી સમય બરબાદીની ચિંતા રહેતી નથી.

સૂર્ય ,તારા, દિપક વગેરે તેજના સ્ત્રોતો ભૌતિક પ્રકાશ પાથરે છે પણ આંતરિક પ્રકાશ તો પુસ્તકો જ પાથરે છે. પુસ્તકોમાંનો પ્રત્યેક અક્ષર તેજ કિરણ અને પ્રત્યેક શબ્દ સાક્ષાત કિરણપૂંજ હોય છે.અને એટલે જ પુસ્તકોમાં સચવાયેલી દિવ્યતા આપણા હૃદયને પણ દિવ્યતા બક્ષે છે આથી પવિત્રતા એ તો પુસ્તકનો સાહજિક સ્વભાવ છે. પુસ્તક એ તો એક પેઢીથી અન્ય પેઢી, એક દેશથી અન્ય દેશ તથા એક સમાજથી અન્ય સમાજ અને એક સંસ્કૃત્તિથી અન્ય સંસ્કૃત્તિ વચ્ચેનું સબળ અને વફાદાર સંચાર માધ્યમ છે.કારણકે પુસ્તક ખૂબ ઉંચી વિશ્વસનિયતા અને પ્રમાણભૂતતા ધરાવે છે.પુસ્તકો હંમેશા સારી અને સાચી વાતો ,હકારાત્મક બાબતો,પ્રણાલિકાઓ, વિશિષ્ટ ગુણો અને વલણો તથા સદગુણોનું આહ્વાન કરતા હોય છે. કારણકે જે વાતો નકારાત્મક હોય છે એ પુસ્તક સ્વરૂપે લાંબો સમય સુધી અસ્તિત્વ ધરાવી શકતી જ નથી.

વૃક્ષો, નદીઓ, સાગરો, પર્વતો વગેરેની જેમ પુસ્તકો પણ માનવજીવનને સદીઓથી સમૃદ્ધ કરી રહ્યાં છે.એટલે જ આપણી ભારતીય સંસ્કૃત્તિમાં આપણે વૃક્ષો અને નદીઓની જેમ પુસ્તકને પણ દેવ માનીએ છીએ અને ભાગવત્તગીતા જેવા પુસ્તકનું પૂજન પણ કરીએ છીએ.તમે ગમે જાતિના કે જ્ઞાતિના હોવ પરંતુ પુસ્તકોના વાંચન થકી તમે તમારી સીમા અમર્યાદ રીતે વધારી શકો છો.પુસ્તકો તમને તમારા આકાશમાં ઉડવા પાંખો પ્રદાન કરે છે.કારણકે તમે વાંચો છો એવું વિચારો છો-જેવું વિચારો છો એવું વર્તન કરો છો- જેવું વર્તન કરો છો એવું કાર્ય કરો છો અને તમારું જેવું કાર્ય એવું જ તમારું પરિણામ…અને આ રીતે પુસ્તકો જ તમને સામાજિક, માનસિક, આર્થિક, નૈત્તિક સિદ્ધિ પ્રદાન કરીને તેજોમય ભવ્ય વ્યક્તિત્વ બક્ષે છે.આથી જ પુસ્તક એ તો ચારિત્ર્ય ઘડતરનું ધરવાડિયું છે.

વૃક્ષો તમે વાવીને ઉછેરી શકો છો આ રીતે તેનું જતન કરો એમ પુસ્તકને તમે વાંચી અને લખી શકો છો અન્યને ભેટમાં આપી શકો છો તથા સમાજમાં તરતું મુકીને વધુમાં વધુ તે વંચાય તેવા પ્રયત્નો કરી શકો છો પુસ્તકની વાતો જીવનમાં ઉતારી તેનું સાચા અર્થમાં જતન કરી શકો છો.સમાજમાં પુસ્તક વિમોચનના પ્રસંગો લગ્ન પ્રસંગોની જેમ ઉજવાતા થાય એવી મનોકામના સાથે વિરમું છું અને અંતમાં હું મારા જીવનમાં હર ક્ષણે સાચો રાહ ચિંધનારા..મારાં સાચા, પ્રામાણિક અને નિખાલસ એવા જિગરજાન દોસ્ત પુસ્તકને જ પુસ્તક દિવસની શુભેચ્છાઓ પાઠવું છું.

  • એકતા ઠાકર
  • આચાર્યશ્રી બામણગામ કન્યાશાલા, બામણગામ,
    તાલુકો :- આંકલાવ, જિલ્લો :- આણંદ

Related posts

૫ કલાકથી વધુ સમય મોબાઈલ વાપરતા ચેતજો…સ્થૂળતા વધવાનું જોખમ…

Charotar Sandesh

આત્મહત્યા કરતાં આત્મચિંતન કરવામાં આવે, તો કદાચ કોઈ હલ મળી જાય…

Charotar Sandesh

ત્રીજી લહેરની ચેતવણી વચ્ચે દેશમાં કોરોના કેસોમાં થઈ રહેલો વધારો ક્યાં લઈ જશે ?

Charotar Sandesh