૧૯ જૂને સાંજે ૫ કલાકે વીડિયો કોન્ફરન્સ યોજાશે…
ન્યુ દિલ્હી : ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણમાં ૨૦ સૈનિકો શહીદ થયા છે. બંને દેશો વચ્ચે ઊભી થયેલી સ્ફોટક સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯ જૂને સર્વપક્ષીય બેઠક બોલાવી છે. ભારત-ચીન સરહદની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. ૧૯ જૂને સાંજે ૫ વાગ્યે આયોજિત થનારી આ વર્ચ્યૂઅલ બેઠકમાં અનેક પાર્ટીઓના પ્રમુખો સામેલ થઈ શકે છે. વડાપ્રધાન કાર્યલયના ટિ્વટર હેન્ડલ પરથી આ જાણકારી આપવામાં આવી છે.
તો આ પહેલા, ગલવાન ઘાટીમાં ચીન સાથેના તણાવ બાદ મોડી રાત્રે વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી એટલે કે સીસીએસની મહત્વપૂર્ણ બેઠક મળી. આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ તેમજ વિદેશપ્રધાન એસ. જયશંકર ઉપસ્થિત રહ્યા. જે બાદ વડાપ્રધાન મોદી અને અમિત શાહ વચ્ચે મોડી રાત્રિ સુધી આગામી રણનીતિ મુદ્દે મંથન ચાલ્યું.