ભારતીય સનાતન સંસ્કૃતિએ હંમેશા વિશ્વને પોતાનું કુટુંબ ગણી સમગ્ર માનવજાતના કલ્યાણ માટે સતત પ્રયાસો કર્યા છે –મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રેરણા પૂંજ પુસ્તકનું વિમોચન…
આણંદ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ છે કે ભારતીય સનાતન સંસ્કૃતિએ હંમેશા વિશ્વને પોતાનું કુટુંબ ગણી સમગ્ર માનવજાતના કલ્યાણ માટે સતત પ્રયાસો કર્યા છે.
આ સંદર્ભે મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે સમગ્ર વિશ્વમાં ભારતીય ધર્મ સંસ્કૃતિ ચિરંજીવી છે. તેના મૂળમાં પ.પૂ. અવિચલદાસજી જેવા અનેક સંતો મહંતોએ પોતાનું સમગ્ર જીવન સનાતન ધર્મ સંસ્કૃતિના રક્ષણ માટે સમર્પિત કર્યુ છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જ્ઞાન સંપ્રદાય ગુરુગાદી સારસા ખાતે સપ્તમ કુવેરાચાર્યશ્રી અવિચલદાશજી મહારાજ સાધુ દીક્ષા સુવર્ણજયંતી મહોત્સવ પ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય શ્રી અવિચલદાસજી મહારાજની ભાવ વંદના કરવાની સાથે તેમનું અભિવાદન કર્યું હતું
સારસામાં યોજાયેલા વિરાટ ધર્મ સંમેલનમાં હજારો નેમી ભક્તોએ મુખ્યમંત્રીશ્રીને હર્ષોલ્લાસથી વધાવી લીધા હતા. ભારત વર્ષમાંથી પધારેલા સંતો મહંતો મહામંડલેશ્વરોનું પણ મુખ્યમંત્રીશ્રીએ અભિવાદન કર્યું હતું. સંતો-મહંતોએ પણ મુખ્ય મંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું .
શ્રી અવિચલદાસજી મહારાજ સહિત ભારતવર્ષના સંતો-મહંતોએ મુખ્યમંત્રીશ્રીને સર્વકલ્યાણના શુભ આશિષ પ્રદાન કર્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ.પૂ.અવિચલદાસજી મહારાજ લિખિત પ્રેરણા પૂંજ પુસ્તકનું વિમોચન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે પ. પૂ. આચાર્યશ્રી અવિચલદાસજી મહારાજ સહિત ભારત વર્ષે અનેક સંતો મહંતો આપ્યા છે, જેમની આધ્યાત્મિક ચેતના ,તપ- તપસ્યાને કારણે આજે ગુજરાત ઉજળુ છે. મુખ્યમંત્રીશ્રીએ પ. પૂ. અવિચલદાસજી મહારાજની પ્રેરણાથી જ્ઞાન સંપ્રદાય ગુરૂગાદી સારસા દ્વારા સમાજના છેવાડાના અને અંતરિયાળ વિસ્તારોમાં થઇ રહેલા શિક્ષણ- આરોગ્ય-વ્યસનમુક્તિ જેવા કાર્યોની સરાહના કરી હતી.
પ.પૂ. અવિચલદાસજી મહારાજની સાધુ દિક્ષાની સુવર્ણ જયંતિએ ભારત વર્ષના સંતો મહંતોની વિરાટ ઉપસ્થિતિ શ્રી અવિચલદાસજી મહારાજની રાષ્ટ્રીય સંત તરીકેની વિરાસતની પ્રતિતિ કરાવે છે તેમ તેમણે જણાવ્યુ હતુ.
પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાધાણીએ જણાવ્યુ કે સંતો મહંતોએ ભારતવર્ષના શ્રેય-કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યુ છે. ભારતવર્ષ સંતો-મહંતોની આશીર્વાદ અને તપ તપસ્યાના કારણે ટકી રહ્યુ છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
શ્રી વાધાણીએ પ.પૂ. અવિચલદાસજી મહારાજના સાધુ દીક્ષાની સુવર્ણ જયંતિએ ભાવવંદના કરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી લોક સેવા કરવાના આશીર્વાદ મેળવ્યા હતા.
આ વિરાટ સંમેલનમાં સાંસદ સર્વશ્રી લાલસિંહ વડોદિયા, મિતેશભાઇ પટેલ, રતનસિંહ રાઠોડ, વિધાનસભાના મુખ્ય દંડક શ્રી પંકજભાઇ દેસાઇ, ઉમરેઠના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર, નાગરિક પુરવઠા નિગમના ચેરમેનશ્રી રાજેશભાઇ પાઠક, પ્રદેશ અગ્રણી શ્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ભાર્ગવ ભટ્ટ, અગ્રણી શ્રી મહેશભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના શ્રી દિનેશજી, જગતગુરુ શંકરાચાર્ય વાસુદેવાનંદજી, રામાનુજાચાર્ય, પ.પૂ જ્ઞાનદેવજી મહારાજ , વૈષ્ણવાચાર્ય પ.પૂ દ્વારકેશ લાલજી મહારાજ, કલેકટરશ્રી આર.જી.ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષ કુમાર, પૂર્વ સાસંદશ્રીઓ, ધારા સભ્યશ્રીઓ, સમગ્ર ભારતવર્ષના સાધુ સંતો , મહંતો, મહામંડલેશ્વરો તથા વિરાટ સંખ્યામાં દેશ વિદેશના નેમી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. વડતાલ સ્વામિનારાયણ ગુરૂ ગાદીના શ્રી નૌતમ સ્વામીએ સમગ્ર વિરાટ સાધુ દીક્ષા સંમેલનનું સંચાલન કર્યું હતુ.
- Jignesh Patel, Anand