૨૪ કલાકમાં ૧૦૮ તાલુકામાં મેઘમહેર, સિઝનનો ૩૯.૬૬ ટકા વરસાદ પડ્યો…
ગાંધીનગર : રાજ્યમાં આઠ વાગ્યા સુધીમાં ૧૬૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ ૮.૫ ઇંચ પડ્યો છે. તો ભરૂચના નેત્રંગ, ડાંગના વગઈ અને ખેડાના મહુધા તાલુકામાં ૪ ઇંચ વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના તલોદમાં ૩ ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પોરબંદરના રાણાવાવ અને ભરૂચના જંબુસરમા દિવસ દરમિયાન ૩ ઇંચ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ, છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ચાર તાલુકામાં ૪ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના ૭ તાલુકામાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યના ૧૧ તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના ૩૬ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આજે સવારથી રાજ્યમાં સાત તાલુકામાં વરસાદ સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. પોરબંદર શહેરમાં પણ ૧ ઈંચ વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં સીઝનનો ૩૯.૬૬ ટકા વરસાદ અત્યાર સુધી વરસી પડ્યો છે. ઝોનવાઈઝ વરસાદ પર એક નજર કરીએ તો, દક્ષિણ ગુજરાતમા ૨૭.૨૬ ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં સીઝનનો ૬૮.૪૮ ટકા વરસાદ વરસ્યો છે. મધ્ય પૂર્વ ગુજરાતમાં ૨૬.૬૬ ટકા વરસાદ ખાબક્યો છે. તો ઉત્તર ગુજરાત ૨૬.૯૮ ટકા વરસાદ નોંધાયો છે.
નેત્રંગ ખાતે અમરાવતી નદીમાં યુવાન તણાવાના બનાવ બન્યો છે. સતત પડી રહેલા મુશળધાર વરસાદના કારણે નેત્રંગ ખાતે અમરાવતી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. ત્યારે એક યુવગ ગાંધી બજાર નજીકથી પસાર થતી નદી ઓળંગવા જતો હતો. ત્યારે આ યુવક અમરાવતી નદીના ધસમસતા પ્રવાહમાં તણાયો હતો. પોલીસ અને પંચાયત દ્વારા યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી છે. નેત્રંગ અલગ તાલુકો હોવા છતાં ફાયર બ્રિગેડનો અભાવ આ ઘટના બાદ જોવા મળ્યો. હાલ યુવકને શોધવા માટે સ્થાનિક લોકોની મદદ લેવાઈ છે.
ઉપલેટાના મોજીરા ગામ પાસે આવેલ મોજ ડેમના પાટીયા ખોલાયા છે. ઉપલેટા તથા ગ્રામ્ય માં ૧ થી ૨ ઈચ જેટલો વરસાદ પડતા મોજ ડેમમાં પાણીની આવક પાણીની આવક વધી ગઈ છે. તેથી ડેમના ૩ પાટીયા ૨ ફુટ જેટલા ખોલવામાં આવ્યા છે. ડેમના પાટીયા ખોલાતા નિચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે. આ વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે.