સુરત : લાજપોર જેલમાંથી લૂંટના બે કેદીને માંગરોલ કોર્ટમાં લઈ જતી વેળા એક પીએસઆઈ સહિત ૫ પોલીસકર્મીઓ હોવા છતાં બંને લૂંટારૂ હાથકડી સાથે પોલીસને ચક્મો આપી ભાગી ગયા હતા. આ ઘટનાને પગલે પીએસઆઈ સહિત ૫ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવાયા છે. આરોપી ચાલુ બસમાં પાછળની કાચની બારી ખોલી ભાગી જતા પોલીસ તેને પકડવા માટે દોડી તો એટલામાં બીજો આરોપી જેને બન્ને હાથોમાં હાથકડી હતી છતાં બસમાંથી ભાગી ગયો હતો.
બન્ને આરોપીઓને માંગરોલ કોર્ટમાં તારીખ પર હાજર કરવા લાજપોર જેલથી સવારે પોલીસ જપ્તા સાથે લઈ ગયા હતા. સાંજે પરત આવતા હતા ત્યારે સાંજે ૪.૨૦ વાગ્યે રસ્તામાં સચીન હોજીવાલા વાંઝ પુલ પાસે ટર્ન આવતો હોવાથી બસ ધીમી પડતા પોલીસની નજર ચુકવી પહેલા આરિફ ઉર્ફે ચિસ્તી મો.હૈદર કાચની ઈમરજન્સી બારીમાંથી ચાલુ બસમાં કૂદકો મારી ભાગતા પોલીસે ગાડી સાઇડ પર લઈ પકડવા જતા બીજો આરોપી મુકેશ ઉર્ફે વિશાલ રત્ના બારીયા બસમાંથી ભાગી નીકળ્યો હતો. સચીન પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે.
રીઢા આરોપી ભાગી જતા કામરેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એસ.સૈયદ, ઓલપાડ પોલીસના એએસઆઈ ઘનસુખ ડાહ્રા, કીમ પોલીસના એલઆર ઈશ્વર રમેશ, માંગરોલ પોલીસના એલઆર જગદીશ ગોવિંદ અને સુરત ગ્રામ્ય હેડ કવાર્ટરના કલ્પેશ રામુને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
બંનેને હાથકડી પહેરાવાઈ હતી. બસમાં પાછલી સીટની પાછળ કાચની બારી ખોલી એક ભાગી ગયો હતો. આમ તો પોલીસની બસમાં લોંખડની ગ્રીલ હોય છે. જો કે આ બસમાં કાચની બારીમાં ગ્રીલ ન હતી. એટલું જ નહિ બસમાં પીએસઆઈ આગળ બેઠો અને બે પોલીસવાળા તેમજ એક આરોપી વચ્ચેની સીટ પર બેઠા હતા. જયારે બન્ને આરોપી છેલ્લી સીટ પર બેઠા હતા.