Charotar Sandesh
ગુજરાત

સમગ્ર રાજ્યમાં ૨૧થી ૨૭ ઓગસ્ટ સુધી વરસાદ થવાની શક્યતા…

ગાંધીનગર : રાજ્યમાં હાલ ચારેબાજુ વરસાદી માહોલ છવાયેલો છે, ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાઇ રહેલા લો પ્રેશરને કારણે સમગ્ર રાજ્યમાં ૨૧થી ૨૭ ઓગસ્ટ સુધી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી સુરેન્દ્રનગર, દેવભુમિ દ્વારકા, વલસાડ, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પોરબંદર અને મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડા, આણંદ અને દેવભુમિ દ્વારકામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજથી એટલે કે ૧૯થી ૨૨ ઓગસ્ટે તમામ એલર્ટ રહેવા માટે અને જરૂરી આગોતરી તૈયારીઓ કરવા માટે પણ રાહત કમિશ્નર દ્વારા તાકીદ કરવામાં આવી છે.

ઇમરજન્સી સર્વિસિસનાં તમામ કર્મચારીઓની રજાઓ પણ રદ્દ કરવા માટેની તજવીજ સરકાર દ્વારા હાથ ધરાઇ છે. કચ્છમાં છેલ્લા ત્રણેક દિવસથી સચરાચર મેઘમહેર વરસાવ્યા બાદ મંગળવારે જિલ્લામાં મેઘરાજાએ વિરામ રાખ્યો હોય તેમ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, પરંતુ ઝાપટાં સિવાય ક્યાંય પણ નોંધપાત્ર વરસાદ પડયો નહોતો. જોકે, સાંજે ૫.૩૦ વાગ્યાના અરસામાં હળવા ઝાપટાં પડતાં માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. આ ઉપરાંત અંજારમાં અઢી ઇંચ, ભચાઉમાં એક ઇંચ તેમજ પાવરપટ્ટી પંથકનાં ગામોમાં પણ ઝાપટાંના પગલે વરસાદી પાણી વહી નીકળ્યા હતા. સોમવારે નોંધપાત્ર બેથી અઢી ઇંચ વરસાદ પડયા બાદ ભુજમાં મંગળવારે સવારથી આકાશ ગોરંભાયેલું રહ્યું હતું અને ક્યારેક ક્યારેક ઝરમર વરસાદ પડતો હતો અને બંધ થઇ જતો હતો. જોકે, સાંજે ૫.૩૦ વાગ્યે શરૂ થયેલા ઝરમર ઝાપટાં થોડીજ વારમાં જોરદાર વરસાદમાં પરિણમ્યા હતા, જેના પગલે દોઢ ઇંચ જેટલું પાણી વરસી ગયું હતું.
આ વરસાદી પાણી માર્ગો પર વહી નીકળતાં માર્ગો પરના ખાડાઓમાં પાણી ભરાયા હતા. જિલ્લાનાં માંડવી, મુન્દ્રા, ગાંધીધામ, લખપત સહિતના વિસ્તારોમાં ક્યાંક ઝરમર તો ક્યાં હળવા ઝાપટાંરૃપે વરસાદ પડયો હતો જેનાથી માર્ગો ભીંજાયા હતા. અંજારમાં સાંજે ૪થી ૬ વાગ્યાના અરસામાં એટલે કે ૨ કલાકમાં ૬૫ મિમી એટલે કે અઢી ઇંચ વરસાદ પડયો હતો. વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાણી સતત રોડ પર ભરેલું રહેવાથી દ્વિચક્રી વાહનચાલકો તથા રાહદારીઓને અન્ય રસ્તા પરથી પસાર થવું પડે છે.

તાલુકાભરમાં આજે મંગળવારે વરસાદ પડયો હોવાથી કપાસ, તલ, ગુવાર, મગફળી સહિતના પાકોમાં નુકસાની વેઠવી પડશે તેવી ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી હતી. ભચાઉમાં દિવસ દરમ્યાન વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સાંજે ધોધમાર વરસાદ પડયો હતો. જેના પગલે એક ઇંચ પાણી પડયું હોવાનું જિલ્લા કંટ્રોલરૃમમાં નોંધાયું હતું. ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાંજે વરસાદી માહોલ જામતાં ખેડૂતોમાં આનંદ છવાયો હતો. હાલનો વરસાદ ખેતીના પાકને ફાયદો કરાવશે, પરંતુ હવે મેઘરાજા ખમૈયા કરે તેવી આશા પણ ખેડૂતો સેવી રહ્યા છે.

Related posts

ટેન્કર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ૩ના મોત

Charotar Sandesh

આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમૂલના નવા મિલ્ક પાઉડર પ્લાન્ટ્‌સનું ઉદઘાટન કરશે

Charotar Sandesh

ગુજરાતમાં ફેબ્રુઆરી રહેશે ઠંડોગાર : રેકોર્ડબ્રેક ઠંડી પડવાના એંધાણ…

Charotar Sandesh