અંબાજીમાં બસ અકસ્માત થતાં સૌ ગુજરાતીઓના હૃદય કંપી ઉઠ્યા છે…
આંકલાવ તાલુકાના ખડોલ(હ) ના 6 મૃતદેહો, બોરસદ તાલુકાના પામોલના બે, દાવોલના બે અને કસુંબાડના એક મૃતદેહને ગામોમાં લાવવામાં આવતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું…
આણંદ : અંબાજીમાં બસ અકસ્માત થતાં સૌ ગુજરાતીઓના હૃદય કંપી ઉઠ્યા છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક 22 થઈ ગયો છે. ત્યારે આણંદના આંકલાવ તાલુકાના ખડોલ ગામે 6 મૃતદેહોને લાવવામાં આવ્યા હતા. બપોરે તમામ 6 મૃતકોની એકસાથે અર્થી ઉઠી હતી. આ સમયે આખું ગામ સજ્જડ બંધ રહ્યું હતું. અંતિમ યાત્રામાં હૈયું દળાય તેટલાં લોકો આવ્યા હતા. અને દરેકની આંખ આ ગોઝારી ઘટનાથી નમ થઈ ગઈ હતી.
નવરાત્રીના બીજા નોરતે મા જગદંબાના દર્શન કરીને આંકલાવ તાલુકાના 75 લોકો લક્ઝરી બસમાં ઊંઝા મા ઉમિયાધામના દર્શને જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં ત્રિશુળિયા ઘાટ પાસે બસ પલટી ખાઈ ગઈ હતી. જેમાં 22 લોકોનાં મોત નિપજ્યા છે. જેમાં આણંદના આંકલવના ખડોલ ગામના 6 લોકોનાં મોત નિપજ્યા હતા. આજે સવારે 6 લોકોનાં મૃતદેહોને એમ્બ્યુલન્સમાં ખડોલ ગામે લાવવામાં આવ્યા હતા. અને બપોરે તેઓની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. આ અંતિમ યાત્રામાં ગામ સહિત આસપાસના ગામોના લોકો પણ હાજર રહ્યા હતા. અને આ એકસાથે 6 અર્થી ઉઠતાં તમામ લોકો દુખમાં ગરકાવ થઈ ગયા હતા. આખું ખડોલ ગામ હિબકે ચઢ્યું હતું.