પાંચ ટ્રિલયન ડોલરની ઈકોનોમી બનાવવાના સ્વપ્નને ગૂડબાય કહી દો : ડો.સ્વામી
ન્યુ દિલ્હી,
કેન્દ્રની મોદી સરકાર અર્થવ્યવસ્થા મામલે ચારેય બાજુથી ઘેરાતી જતી હોય તેવું લાગે છે. એખ બાજુ મોદી સરકાર અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે બીજી બાજુ સહયોગી અને વિપક્ષ મોદી સરકારની આર્થિક નીતિ સામે સવાલ ઉભા કરી રહ્યા છે. કોંગ્રેસની સાથે સાથે બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ સરકારની નીતિઓ સામે સવાલ ઉભા કરીને ૫ ટ્રિલિયન અર્થવ્યવસ્થાને ગુડબાય કેહવાની વાત કરી છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શનિવારે કહ્યું કે, જીડીપી વિકાસ દરથી સ્પષ્ટ દેખાય છે કે, સારા દિવસોના પીપૂડા વગાડતી ભાજપ સરકારે અર્થવ્યવસ્થાને પંચર પાડી દીધું છે. પ્રિયંકા ગાંધીએ ટિ્વટ કરીને કહ્યું છે કે, ન જીડીપી ગ્રોથ છે, ન રૂપિયો મજબૂત છે. રોજગારી પણ ગાયબ છે. હવે તો જણાવો કે અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દેવાની આ કોની કરતૂત છે?
બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ અર્થવ્યવસ્થા સામે સવાલ ઉભા કર્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે, આર્થિક નીતિ વગર ૫ ટ્રિલિયન ઈકોનોમી શક્ય નથી. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, માત્ર સાહસ અથવા જ્ઞાનથી જ અર્થવ્યવસ્થાને ન બચાવી શકીએ. તે માટે બંનેની જરૂર હોય છે. આજે આપણી પાસે બંનેમાંથી એક પણ નથી.
ઉલ્લેખનીય છે કે, દેશનો આર્થિક વૃદ્ધિ દર ૨૦૧૯-૨૦ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ઘટીને ૫ ટકા રહી ગયો છે. તે છેલ્લા ૭ વર્ષનું સૌથી ન્યૂનતમ સ્તર છે. ઉત્પાદન ક્ષેત્રમાં ઘટાડો અને કૃષિ ઉત્પાદનની સુસ્તીથી જીડીપી વૃદ્ધિમાં આ ઘટાડો આવ્યો છે. શુક્રવારે જાહેર અધિકૃત આંકડાઓમાં આ જાણકારી આપવામાં આવી છે.