Charotar Sandesh
આર્ટિકલ ઈન્ટરેસ્ટિંગ ધર્મ ભક્તિ

અઢળક પ્રેમ આપતાં આવડે અને મબલખ પ્રેમ ઝીલતાં આવડે એવા દેવ એટલે કૃષ્ણ

જોષીડા જોશ જુઓ, 
મુંને કે દા’ડે મળશે મારો કાન! 
                                           – મીરાંબાઇ

આવો આજે મીરાં થઈ ને કાના ને પોકારીએ..

મોરારીબાપુ કહે છે આધ્યાત્મ જગતમાં સ્મૃતિ જેવુ કોઈ સુખ નથી અને વિસ્મૃતિ જેવું કોઇ દુઃખ નથી.ગોકુળ અષ્ટમી એટલે વરસાદની મૌસમમાં કૃષ્ણનું સ્મરણ કરી કૃષ્ણમય થવાનો અવસર.
ઝરમર વરસતાં વરસાદમાં રાધાની આંખલડી સ્નેહ વરસાવે છે અને માધવની મોરલીના સૂર સકલ જગતને પ્રેમનો સંદેશો આપે છે. ત્યારે જાણે ગોકુળ આઠમ આવે છે.
આજે કૃષ્ણ જન્મ્યાં એ તિથિ, સ્થળ કે કાળની વાત નથી કરવી કારણકે ઈશ્વરના પૂર્ણ અવતાર યોગેશ્વર કૃષ્ણ તો અજન્મા છે.
આજે તો માખણ, મટકી, મોરપીંછ અને માધવના સમન્વયનો દિવસ અને આ સમજી કૃષ્ણને સમજવાનો દિવસ.રણછોડ,માખણચોર,ગોવર્ધનધારી,ગિરધારી,માધવ,મોહન,શ્યામ,ગોપાળ,ગોવિંદ,કેશવ,કનૈયો,કાન અને કૃષ્ણ વગેરે જેવા અનેક નામથી આપણે કૃષ્ણને નવાજ્યાં છે.તો બાળકૃષ્ણ, રાધે કૃષ્ણ, ગોપાલકૃષ્ણ, નંદનંદન, રણછોડરાય, દ્વારકાધીશ, ગોપી કૃષ્ણ, વગેરે જેવા અનેક સ્વરૂપોમાં ભજ્યાં છે.
રાધા એટલે મુગ્ધ પ્રેમ સ્વરૂપા અને  આ સ્વરૂપને જાળવી રાખવા વાંસળી વગાડનાર એટલે કૃષ્ણ. કૃષ્ણ એટલે એવું વ્યક્તિત્વ કે પૃથ્વી પરના દરેક માણસને પોતીકુ લાગે.ગોકુળનો ગોવાળિયો, ગોપીઓનો ગોપ, રાધાનો પ્રેમી, કૃષ્ણાનો મિત્ર, અર્જુનનો સારથી, રુક્ષમણીનો પતિ અને મીરાંનો ગિરીધર ગોપાલ આ બધું જ જાણે મોરપીંછના વિવિધ રંગો છે અને કૃષ્ણજીવનમાં યોગ્ય રીતે પુરાયેલા છે. જે વાંસળી વગાડે છે  અને પ્રેમના સૂર પણ રેલાવે છે અને શંખ ફુંકી યુદ્ધનું આહ્વાન પણ કરાવે છે. શૃંગાર રસ, વીર રસ અને અધ્યાત્મ રસનો સંગમ એટલે કૃષ્ણ.
ઈશ્વર ખૂદ ઈશ્વરનું પ્રિય સંતાન એટલે કૃષ્ણ. આ કૃષ્ણએ જન્મથી જ કેટલા અપમાનના ઘૂંટડા સહન કર્યા એ આપણે સૌ જાણીએ છીએ.છતાં ભગવાનના અવતારો માંથી જેને સખા બનાવવાનું મન થાય એવા માત્ર કૃષ્ણ જ છે. આદર્શોની વાત કરતાં અવતારો અને મહાનુભવો ઘણાં આવી ગયાં, પરંતુ કૃષ્ણતો વ્યવહાર અને અસ્તિત્વની વાત કરે છે.અઢળક પ્રેમ આપતાં આવડે અને મબલખ પ્રેમ ઝીલતાં આવડે એવા દેવ એટલે કૃષ્ણ. માખણ માંગે, ગોરસ માંગે ત્યારે હકીકતમાં તો એ પ્રેમ માંગે છે. પ્રિયજન અને ઈશ્વર એક ભૂમિકા પર હોય એવા ભગવાન એટલે કૃષ્ણ.
જાણીતા કરસનદાસ માણેક એ પાંચ સાત લાઇનનાં ફકરામાં કૃષ્ણના સમગ્ર વ્યક્તિત્વનું સુંદર આલેખન કર્યુ છે. એ કહે છે કે કૃષ્ણ એટલે…
કામવૃત્તિ વગરનો પ્રણય,
યુયુત્સા વગરનો વીર,
કુટીલતા વગરનો મુત્સદ્દી,
વેદિયાવેળા વગરનો આદર્શવાદી,
ઘમંડ વગરનો બંડખોર
કોઇ પણ સીધા કે આડકતરા સ્વાર્થ વગરનો લોક સેવક અને જગતના શત્રુઓનો નાશ કરવાનો અવસર આવે ત્યારે મત્સર, ઇર્ષા કે દ્વેષ વગરનો દંડ વિધાયક.
કૃષ્ણ હાથ ઝાલે તો આખી દૂનિયા  ત્યજી દે તોય માણસ ત્યજાયેલો નથી હોતો. અને આખી દૂનિયા માંથે મૂકીને નાચે પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો નથી રહેતો. મનમાં એકલા જ લડવાનું છે એ યુદ્ધમાં આપણા સૌના સારથિ થવા કૃષ્ણ તૈયાર છે પણ આપણે તૈયાર છીએ ખરાં! બાળકની આંખમાં અને માંના વાત્સલ્યમાં આપણાં ખુદના આમ્લરસમાં (જઠરાગ્નિ માં) કૃષ્ણ છે અને એજ જીવાડે છે. હકીકતમાં  જીવનમાં જ્યારે આપણે સંઘર્ષમાં હારી જઈએ ત્યારે મનને જગાડી આશાનું બળ આપનાર કૃષ્ણ છે.

લેખક :- એકતા યુ.ઠાકર, આચાર્યાશ્રી, બામણગામ, તા.આંકલાવ, જી.આણંદ

Related posts

रक्षासूत्र का मंत्र और अर्थ – रक्षा सूत्र बांधते समय ब्राह्मणया पुरोहत अपने यजमान को कहता है कि

Charotar Sandesh

દર વર્ષે પ૦ હજારથી વધુ ભક્તો કરે છે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા : સદીઓથી ચાલતી આવેલી આસ્થા, જુઓ વિગત

Charotar Sandesh

રામબાણ ઈલાજ : કાળા જાંબૂના બીથી દૂર થશે ડાયાબિટીસ સહિતની આ બીમારીઓ…

Charotar Sandesh