Charotar Sandesh
ગુજરાત

અત્યાર સુધી સંવેદનશીલ સરકારે માસ્કના દંડ પેટે જનતાના ૨૦૦ કરોડ ખંખેર્યા…

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો રાજ્યની મોટાભાગની સરકારી અને ખાનગી હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ફૂલ થઈ ગઈ છે. જેથી લોકોને સારવાર માટે પણ વેઇટિંગમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. તો કોરોનાનું સંક્રમણ રોકવા માટે સરકાર દ્વારા લોકોને સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે અને જે લોકો આ નિયમનો ભંગ કરે છે. તેની પાસેથી દંડ વસૂલાત કરવામાં આવે છે પરંતુ આ દંડ સરકાર માટે આવકનું સાધન બની ગયુ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગુજરાત સરકારે છેલ્લા ૧૧ મહિનાના સમયમાં નિયમ ભંગ કરતા લોકો પાસેથી ૨૦૦ કરોડ રૂપિયા કરતા વધારે દંડની વસૂલાત કરી છે.
મહત્ત્વ વાત છે કે, રાજ્ય સરકાર દ્વારા સરેરાશ દર મહિને ૨૦ કરોડની કમાણી માસ્ક ન પહેરનારા લોકો પાસેથી કરવામાં આવી રહી છે. આ દંડની રકમમાં ૪૬ ટકા રકમ તો સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ આ ૪ મહાનગરોમાં થઈ રહી છે અને તેમાં ૨૨ ટકા રકમની કમાણી અમદાવાદમાંથી થઈ રહી છે. છેલ્લા ૫ મહિનામાં સરકારે માસ્ક ન પહેરનારા લોકો પાસેથી ૧૨૨ કરોડ રૂપિયાના દંડની વસૂલાત કરી છે. ૧૫ જૂનથી ૨૪ સપ્ટેમ્બર દરમિયાન ૫૨ કરોડ રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી છે. તો ૨૫ સપ્ટેમ્બરથી ૨૧ નવેમ્બર દરમિયાન ૨૬ કરોડ રૂપિયાના દંડની વસૂલાત થઈ છે અને ૨૨ નવેમ્બરથી ૬ મે સુધી સરકારે ૧૨૨ કરોડ રૂપિયાના દંડની વસૂલાત કરી છે.
રાજ્યમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહી છે. તો રાજ્યમાં કુલ ૬ લાખ કરતાં પણ વધારે પોઝિટિવ કેસો નોંધાય ચુક્યા છે અને તેમાંથી ૫ લાખ કરતાં વધારે દર્દીઓ સારવાર લઇને સ્વસ્થ થયા છે. કોરોનાની મહામારીની શરૂઆતથી લઇને અત્યાર સુધીમાં સરકાર દ્વારા જાહેર રસ્તા પર થુંકનારા અને માસ્ક ન રહેનારા લોકો પાસેથી ૨૦૨ કરોડ રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી છે. આજ સુધીમાં દંડના ૩૨.૩૨ લાખ જેટલા કેસ કરવામાં આવ્યા છે. ગત ૨૧ નવેમ્બર સુધીમાં સરકારને ૭૮ કરોડ રૂપિયાના દંડની આવક થઈ હતી અને ગત ૧૫ જૂનથી અત્યાર સુધીમાં ૨૦૦ કરોડ કરતાં વધારેની આવક દંડના કારણે થઈ છે.
એટલે સરેરાશ ૨૦ કરોડ રૂપિયાની કમાણી દર મહિને રાજ્ય સરકારને માસ્ક ન પહેરનારા લોકો પાસેથી થઈ રહી છે. તો દર મહિને માસ્ક ન પહેરવા મામલે ૩ લાખથી વધારે કેસ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં ૪૨ કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. તો સુરતમાં ૧૮ કરોડ, રાજકોટમાં ૧૯ અને વડોદરામાં ૧૨ કરોડ રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી છે.
એક તરફ સરકાર એવું કહે છે કે, ગુજરાતની સંવેદનશીલ સરકાર કોરોનાની મહામારીમાં લોકોની પડખે ઊભી રહી છે પરંતુ ૧૧ મહિનામાં ૨૦૦ કરોડ કરતાં પણ વધારે રૂપિયાનો દંડ સરકારને માસ્ક ન પહેરનારા લોકો પાસેથી લીધો છે. ત્યારે એવું લાગી રહ્યું છે કે, સંવેદનશીલ સરકાર નહીં પરંતુ સંવે દંડ શીલ સરકાર છે. જોકે આ દંડ માત્ર સામાન્ય વ્યક્તિઓને જ કરવામાં આવ્યો છે. કારણ કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન નેતાઓએ પણ માસ્કના નિયમોનો ભંગ કર્યો હતો. મોટી-મોટી સભાઓ કરીને લોકોને એકઠા કર્યા હતા છતાં પણ એક પણ નેતા પાસેથી દંડ વસૂલાત કરવામાં આવી નથી એટલે દંડની નીતિમાં પણ સરકાર દ્વારા ભેદભાવ કરવામાં આવી રહ્યુ છે.

Related posts

ગુજરાત : દિવસભરના મહત્ત્વના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૦૬-૧૨-૨૦૨૪, શુક્રવાર

Charotar Sandesh

ભારે વરસાદના કારણે ૧૫ સ્ટેટ હાઈવે સહિત કુલ ૧૩૬ રસ્તા બંધ

Charotar Sandesh

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા કોંગ્રેસે સાઇકલ યાત્રા દ્વારા નોંધાવ્યો વિરોધ…

Charotar Sandesh