રાજ્ય સરકારે બહાર પાડી ગાઇડલાઇન્સ
રેસ્ટોરાં ૧૧ વાગ્યા સુધી ખુલ્લી અને બાગ-બગીચામાં એન્ટ્રી શરૂ, સ્કૂલ-કોલેજો હજી ૩૦મી સુધી બંધ, લારી-ગલ્લા અને શેરી ફેરિયાઓને પણ કોઈ પાબંધી નહીં
૬૦ ટકા કેપેસિટી સાથે લાઈબ્રેરી ખુલશે, એસટી-ખાનગી બસ-કેબ સેવાને પણ ૫૦ ટકા કેપેસિટી સાથે મંજૂરી
ગાંધીનગર : જો તમને સપ્ટેમ્બરમાં શરૂ થનાર અનલોક-૪ની રાહ હોય તો રાજ્ય સરકારે તેની ગાઈડલાઈન્સ બહાર પાડી દીધી છે. આ ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ૩૦ સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. જ્યારે કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શક સૂચનાઓ અનુસાર નિય પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવે છે. ગુજરાતમાં આજથી હોટેલ અને રેસ્ટોરન્ટ ૧૦ વાગ્યાના બદલે ૧૧ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. તેમજ પબ્લિક ગાર્ડન પણ ખુલશે. ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ ખુલ્લા રાખી શકાશે. તેની સાથે સાથે ૮ વાગ્યા સુધી ખુલ્લી રહેતી દુકાનો હવે ૨૪ કલાક ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે સ્કૂલ સહિતની શૈક્ષણિક સંસ્થથાઓ ૩૦ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સ્થાનિક સ્તરે લોકડાઉન જાહેર કરી શકાશે નહીં.
ગાઈડલાઈન્સ મુજબ હવે લારી-ગલ્લા અને શેરી ફેરિયાઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. જ્યારે ૬૦ ટકા કેપેસિટી સાથે લાઈબ્રેરીઓ પણ ખુલશે. એસટી-ખાનગી બસ-કેબ સેવાને પણ ૫૦ ટકા કેપેસિટી સાથે મંજૂરી આપવામાં આવી છે. પરંતુ સિનેમાગૃહો-મલ્ટિપ્લેક્સ હજી પણ બંધ રાખવામાં આવ્યા છે. જ્યારે ઓપન એર થિએટર ૨૧મીથી ખોલી શકાશે.