Charotar Sandesh
ઈન્ડિયા

અમને ૫ વર્ષ આપી દો, ૭૦ વર્ષની બરબાદી હટાવી દઈશું : ખડગપુરમાં મોદીનો હૂંકાર

દીદી(મમતા) એ ૧૦ વર્ષમાં બંગાળને બરબાદ કરી નાંખ્યું…

ખડગપુર : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખડગપુરમાં ચૂંટણીસભાને સંબોધિત કરી હતી. તેમણે લોકોને કહ્યું હતું કે તમારો ઉત્સાહ કહે છે કે બંગાળમાં આ વખતે ભાજપ સરકાર બનશે. હું આવું એટલા માટે કહી રહ્યો છું કે બંગાળની આ ધરતી પર ૧૩૦ કાર્યકર્તાએ બલિદાન આપ્યાં છે, કારણ કે બંગાળ સુરક્ષિત રહે. બંગાળમાં ૫૦ વર્ષથી વિકાસ અને સપનાં ડાઉન છે. દીદીએ ૧૦ વર્ષમાં બંગાળને બરબાદ કરી નાખ્યું છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે મને ગર્વ છે કે મારી પાસે દિલીપ ઘોષ જેવા અધ્યક્ષ છે. છેલ્લાં ઘણાં વર્ષોથી તેઓ પાર્ટીને જિતાડવા માટે આરામથી ઊંઘી શક્યા નથી, ન તો દીદીથી ડર્યા છે. તેઓ બંગાળના ઉજ્જવળ ભવિષ્યને લઈને આગળ વધી રહ્યા છે. એટલા માટે હું કહી રહ્યો છું કે આ વખતે ભાજપ સરકાર બનશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ખડગપુર લાંબું પ્લેટફોર્મ છે. ભારતીય રેલવેને મજબૂતી આપવામાં અહીંના લોકોનું મોટું યોગદાન છે. ૭૦ વર્ષ સુધી અમે ઘણા લોકોને જોયા, અમે તમને વચન આપીએ છીએ કે એકવાર આશીર્વાદ આપો, અમે તમારી ભલાઈમાં કંઈ કસર છોડીશું નહીં.
મોદીએ વધુમાં કહ્યું હતું કે ગામડે ગામડે માર્ગોનો વિસ્તાર કરીશું. પાણીની સમસ્યાને હલ કરીશું. બંગાળનું ભાજપ પર કરજ છે. અમે બંગાળમાં ન માત્ર કમળ ખીલવવા માગીએ છીએ, પરંતુ લોકોનાં ભવિષ્યને ઉજ્જવળ કરવા માગીએ છીએ.
તેમણે કહ્યું હતું કે દિલ્હી અને બંગાળ બન્ને એન્જિન એક દિશામાં ચાલવા લાગે તો બંગાળ બરબાદીમાંથી બહાર આવશે. અમે સબકા સાથ, સબકા વિકાસ ઔર સબકા વિશ્વાસના મંત્ર સાથે કામ કરીશું. દીદીએ તમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેમણે ૧૦ વર્ષમાં બંગાળને બરબાદ કરી નાખ્યું છે.
મોદીએ કહ્યું હતું કે કાલે ૫૦-૫૫ મિનિટ વ્હોટ્‌સએપ ડાઉન રહ્યું, ફેસબુક ડાઉન રહ્યું, ઈન્સ્ટાગ્રામ ડાઉન રહ્યું. બધા પરેશાન થઈ ગયા, પરંતુ ૫૦ વર્ષથી બંગાળનો વિકાસ ડાઉન છે.
આજે બંગાળના લોકો દીદી પાસે ૧૦ વર્ષનો હિસાબ માગે છે, જવાબના બદલે દીદી તેમના પર અત્યાચાર કરે છે. બંગાળમાં માત્ર માફિયા ઉદ્યોગ ચાલવા દીધો છે, અમે લોકશાહીને બરબાદ નહીં થવા દઈએ.

Related posts

ભાગેડુ નિરવ મોદીને મોટો ઝટકો : સ્વિત્ઝર્લેન્ડમાં ચાર બેન્ક ખાતા સીઝ

Charotar Sandesh

અમે ’હિરોઈન’ નહીં ’હેરોઈન’ પકડીએ છે, તેથી અમારી કોઈ ચર્ચા નથી થતી : ઉદ્વવ ઠાકરે

Charotar Sandesh

એનઆરસી નહીં, શિક્ષિત બેકારોનું રજિસ્ટર બનાવો : દિગ્વિજયસિંહ

Charotar Sandesh