ન્યુ દિલ્હી : પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘે ગૃહમંત્રી અમિત શાહને મળી ખેડૂતોની સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવાનું કહ્યું છે. તેનાથી રાષ્ટ્રીય સુરક્ષા પર અસર થઇ રહી છે. છેલ્લા એક સપ્તાહથી દિલ્હી-એનસીઆરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ગુરુવારે અમરિન્દર સિંઘે શાહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ કેપ્ટને કહ્યું કે અમે આ વિવાદને જલદી ઉકેલ ઇચ્છીએ છીએ. પંજાબના ખેડૂતોના પ્રદર્શનને કારણે રાજ્યથી અર્થવ્યવસ્થા પર પણ અસર પડી રહી છે. સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા પર પણ અસર પડતી દેખાઇ રહી છે.
અમે ગૃહમંત્રી સમક્ષ અમારી વાત રજૂ કર દીધી છે. પંજાબના સીએમએ કહ્યું કે સરકાર અમે ખેડૂતો બંનેને વચ્ચેનો માર્ગ શોધી કાઢવાની અપીલ કરી છે. અકાલી દળના આરોપો અંગે તેમણે બોલવાનો ઇનકાર કરી દીધો. નોંધનીય છે કે કેન્દ્રના ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે. તેનું નેતૃત્વ પંજાબ જ કરી રહ્યું છે. ત્યાંના આશરે ૫૦ ખેડૂત સંગઠન દિલ્હી, હરિયાણાની સરહદો પર ડટેલા છે. હવે તેમને ધીમે-ધીમે ગુજરાત, યુપી, દિલ્હી અને હરિયાણાના ખેડૂતોનું સમર્થન પણ મળવા લાગ્યું છે.
દરમિયાન ખેડૂત આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતો ગુરજંત સિંઘ અને ગુપરબચન સિંઘના પરિવારોને ૫-૫ લાખ રુપિયાની સહાય આપનવાની કેપ્ટન અમરિન્દર સિંઘે જાહેરાત કરી છે. કેપ્ટન અમરિન્દર સિંઘ સતત કેન્દ્ર સરકારને કહી રહ્યા છે કે તે ખેડૂતો સાથે વાત કરી આ આંદોલનને ખતમ કરાવે. પંજાબ દેશમાં એક એવું રાજ્ય છે, જેણે સૌથી પહેલાં કેન્દ્રના ત્રણ કાયદા સામે વિધાનસભામાં બિલ પાસ કર્યું છે.
ખેડૂતોની સરકાર સમક્ષ કઇ ૬ માગ છે?
૧.ત્રણેય કૃષિ કાયદાને તાત્કાલિક પાછા ખેંચવામાં આવે.
૨.ખેડૂતો માટે લધુત્તમ ટેકાના ભાવોને કાયદો બનાવો.
૩.એમએસપી નક્કી કરવા માટે સ્વામીનાથન ફોર્મ્યુલા લાગુ કરાય.
૪. એનસીઆર ક્ષેત્રમાં વાયુ પ્રદૂષણ એક્ટમાં ફેરફારને પાછો ખેંચવામાં આવે.
૫.ખેતી માટે ડીઝલના ભાવો ૫૦ ટકા ઘટાડવામાં આવે.
૬.દેશભરમાં ખેડૂત નેતા, કવિઓ, વકીલો અને અન્ય એક્ટિવિસ્ટો સામેના કેસ પાછા ખેંચવામાં આવે.
નોંધનીય છે કે ખેડૂતો અને સરકાર વચ્ચે ત્રણ તબક્કાની મંત્રણા થઇ ગઇ છે. એક ડિસેમ્બર બાદ આજે ફરી ચોથી વખત મળી રહ્યા છે. હજુ સુધી કોઇ નક્કર ઉકેલ આવ્યો નથી. તેથી ખેડૂતોએ પોતાની માગો લેખિતમાં આપી છે. જો આજે ઉકેલ નહીં આવે તો ખેડૂત આંદોલન વધુ આક્રમક થશે. ખેડૂતોનું કહેવું છે કે આજે ગુરુવારે જો ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ આક્રમક થશે એને તેનો અંત શું આવશે, તે કોઇ કહી નહીં શકે.