વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ધૈર્ય સાથે કોરોના સામે લડાઈ લડી : અમિત શાહ
ન્યુ દિલ્હી : છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર દેશ અને દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોનાવાયરસની સામે લડાઈ લડવા માટે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી રૂપાણીએ તાજેતરમાં જ જણાવ્યું હતું કે ગુજરાતમાં ઓક્સિજનની અછત તેઓ થવા દેશે નહીં. તેમજ ગુજરાતમાં જ નવા ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવશે. જેના પગલે આજે અમદાવાદમાં ૯ ઓક્સિજન પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ દ્વારાવિડિયો કોન્ફરન્સિંગના માધ્યમ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદમાં ૯ ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતાં ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, કોવિડની બીજી લહેર તીવ્ર હોવા છતાં, આપણે સામૂહિક યોગદાન થકી ઓછા સમયમાં તેના પર નિયંત્રણ મેળવી લીધું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ ભારતે ધૈર્યથી આ લહેર સામે લડ્યા છીએ.
સમગ્ર દેશમાં કોરોનાના દર્દીઓમાં ઓક્સિજનની અછતના કારણે મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો હતો જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સરકારે હૈયાધારણા આપી હતી કે ઓક્સિજનની તંગીના કારણે ગુજરાતમાં હવે કોઈ મોત નહીં થાય.આ શ્રેણીમાં સરકાર દ્વારા ઓક્સિજન પ્લાન્ટ નિર્માણ કરવામાં આવ્યું છે.