ચીન પાસે ૩૫૦ યુદ્ધ જહાજો અને સબરમીન જ્યારે અમેરિકા પાસે ૨૯૩ જહાજો અને સબમરીન છે…
બેઇજિંગ : ભારત સહિતના પાડોશી દેશો પર દબાણ વધારવા માટે ચીન પોતાની લશ્કરી તાકાતમાં સતત વધારો કરી રહ્યુ છે.
ચીન દરિયાઈ મોરચે એશિયામાં એકચક્રી શાસન સ્થાપવા માંગે છે અને તેના માટે તેણે પોતાની નૌસેનામાં છેલ્લા કેટલાક વર્ષોથી સતત નવા જહાજો સામેલ કરવાનુ ચાલુ રાખ્યુ છે.પરિણામ સ્વરુપે હવે ચીનની નૌ સેના દુનિયાની સૌથી મોટી નૌ સેના બની ગઈ છે.ચીને આ બાબતમાં અમેરિકાને પણ પાછળ રાખી દીધુ છે.ચીન પાસે ૩૫૦ યુધ્ધ જહાજો અને સબમરીન છે.જ્યારે અમેરિકા પાસે ૨૯૩ જહાજો અને સબમરીન છે.જોકે આ આંકડાની રીતે થયેલી સરખામણી છે પણ તાકાત અને આધુનિકતાની રીતે જોવામાં આવે તો અમેરિકા બહુ આગળ છે.કારણકે અમેરિકા પાસે ૧૧ તો વિમાન વાહક જહાજો છે.આ દરેક જહાજ પર ૮૦ થઈ ૯૦ જેટલા ફાઈટર જેટ્સ હંમેશા તૈનાત રહેતા હોય છે.જ્યારે ચીન પાસે આવા બે જ જહાજો છે.
આની સરખામણીમાં ભારતીય નૌ સેનાની તાકાત ઓછી છે.ભારત પાસે હાલમાં એક જ વિમાન વાહક જહાજ છે.બાકી ૭૦ જેટલા અલગ અલગ પ્રકારના જહાજો અને ૧૫ સબમરિન તથા બે ન્યુક્લિયર સબમરિન છે.
પેન્ટાગોનનો રિપોર્ટ કહે છે કે, ચીન ભારતની ચારે તરફ એક ડઝનથી વધારે દેશોમાં પોતાના લશ્કરી મથકો સ્થાપવાની તૈયારી કરી રહ્યુ છે.જેનો ઉદ્દેશ પોતાની સેનાની ત્રણે પાંખોને મજબૂતી આપવાનો છે.આ મિલિટરી બેઝ થકી ચીન અમેરિકાના મિલટરી અભિયાનોમાં પણ હસ્તક્ષેપ કરવાની યોજના બનાવી રહ્યુ છે.
ચીન આગામી ૧૦ વર્ષમાં પોતાના પરમાણુ હથિયારોની સંખ્યા પણ બમણી કરશે તેવી આગાહી આ રિપોર્ટમાં કરવામાં આવી છે.