દોષિત સાબિત થશે તો ૨૦ વર્ષની સજા થઇ શકે…
વૉશિંગ્ટન,
પાકિસ્તાન મૂળના અમેરિકન નાગરિક પર ઈસ્લામિક સ્ટેટ (IS)થી પ્રેરિત હુમલાની યોજના બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ન્યૂયોર્ક સિટીના પોલીસ કમિશ્નર જેમ્સ ઓ’નીલે કહ્યું કે, અવૈસ ચૌધરી શહેરમાં ઘણાં લોકોની હત્યા કરવાની યોજના બનાવી રહ્યો હતો. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જો તે દોષિત સાબીત થશે તો તેને ૨૦ વર્ષની સજા થઈ શકે છે.
જેમ્સના જણાવ્યા પ્રમાણે અવૈસે સાવધાનીપૂર્વક સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. અવૈસે વર્લ્ડ ફેરને ટાર્ગેટ કર્યો હતો. ૨૩ ઓગસ્ટે ચૌધરી ISના એક અંડરકવર એજન્ટને પણ મળ્યો હતો. અવૈસે કહ્યું હતું કે, તે લોકો પર ચપ્પાથી હુમલો કરશે અને જો તેને બોમ્બ બનાવતા શીખવાડવામાં આવશે તો તે મિની બ્રિજ ઉપર પણ હુમલો કરશે.
૨૫ અને ૨૬ ઓગસ્ટ વચ્ચે હુમલો કરવા માટે અવૈસે ચપ્પુ, માસ્ક, ગ્લવ્સ, સેલફોન અને ઘટનાને રેકોર્ડ કરવા માટે માથા પર લગાવવાનો કેમેરો ઓનલાઈન મંગાવ્યો હતો. હુમલાનું કાવતરુ ઘડવાના આરોપમાં ચૌધરીની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. તેને અમેરિકન મેજિસ્ટ્રેટ જસ્ટિસ જેમ્સ ઓરેનસ્ટીન સમક્ષ શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
કોર્ટે અવૈસને આતંકી સંગઠનનું સમર્થન કરવા અને હુમલો કરવાની યોજના બનાવવાના આરોપમાં બિન જામીન જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે.
- Nilesh Patel