-
મુખ્ય સુત્રધાર સુનીલ ઉર્ફે સુમન કેજરીવાલ અને મોહંમદઅસ્ફાક શેખને બાકરોલ ગેટ પાસે છટકું ગોઠવીને ઝડપી પાડ્યા : ૧૦ દિવસના રીમાન્ડ પર સોંપાયા…
-
વિદેશ ઈચ્છુકોને શોધીને 3-4 લાખ લઈ લેતા, હજુ મુખ્ય આરોપીઓ બાકી…
આણંદ : અમેરિકા-કેનેડા મોકલવાના બહાને મેંગ્લોરમાં યુવકોને ગોંધી રાખીને ૧.૫૭ કરોડ ઉપરાંતની છેતરપીંડી અને ઠગાઈ કરવાના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને બાકરોલ ગેટ પાસે છટકું ગોઠવીને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતાં ૧૦ દિવસના રીમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો. પોલીસને રીમાન્ડ મળતાં જ તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. જે દરમ્યાન કેટલીક ચોંકાવનારી વિગતો સપાટી પર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બાકરોલ સ્કવેરમાં ઓફિસ ધરાવતા વડતાલના શંકરલાલ નામના કમીશન એજન્ટ દ્વારા સાતેક જેટલા યુવકોને કેનેડા અને અમેરિકા મોકલવાના બહાને મેંગ્લોર ખાતે કોઈ જગ્યાએ ગોંધી રાખીને માર મારીને રીવોલ્વરના નાળચે એપ મારફતે યુવકોના પરિવારજનો સાથે વાતચીત કરાવીને તેઓ કેનેડા અને અમેરિકા પહોંચી ગયા હોવાનુ ંજણાવીને રોકડા ૧,૫૭,૯૪,૦૦૦ આંગળીયા દ્વારા, ઓનલાઈન તેમજ રોકડા મેળવી લઈને યુવકોને કોઈ અજ્ઞાત સ્થળે છોડી દીધા હતા.
આ અંગે વિદ્યાનગર પોલીસે આ અંગે સુનીલ ઉર્ફે સુમન શિવકુમાર કેજરીવાલ (રે. મહારાષ્ટ્ર) મોહંમદઅસ્ફાક ઉર્ફે મોહંમદઅસ્ફાક મોહંમદનાજીમ શેખ (રે. થાના પીપરી, સીતામઢી, બિહાર) સહિત ત્રણ વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને આણંદ એસઓજીએ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પોલીસે યુક્તિપુર્વક ફરિયાદી પાસે આરોપીઓના વોટ્સએપ પર કોલીંગ કરાવીને બીજા ચારથી પાંચ જેટલા યુવકો અમેરિકા-કેનેડા જવા માટે તૈયાર થઈ ગયા છે. જેમને મળીને તેમની સાથે વાતચીત કરી વિશ્વાસ કેળવવાનો છે. જેથી તેઓ બાકરોલ ખાતે આવેલી તેની ઓફિસે આવી જાય તેમ જણાવ્યું હતુ. લાલચમાં આવી ગયેલા સુનીલ ઉર્ફે સુમન અને મોહંમદઅસ્ફાક શેખ બાકરોલ ગેટ ખાતે આવી પહોંચતા જ વોચમાં ઉભેલી એસઓજી પોલીસે તેઓને કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા અને વધુ તપાસ અર્થે કોર્ટમાં રજુ કરીને રીમાન્ડની માંગણી કરતાં કોર્ટે ૧૦ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા.