અમદાવાદ : રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૪ ડિસેમ્બરના રોજ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળે તેવી આગાહી સાથે કેટલાંક ભાગમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળશે. ૪ ડિસેમ્બરે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. જેને લઇ વરસાદની આગાહી કરાઇ છે.
આણંદ, સુરત, ભરૂચ, વડોદરામાં વરસાદ પડી શકે છે. જ્યારે નર્મદા, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદ પડી શકે છે. ત્યારે વરસાદની આગાહીને લઇ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. જ્યારે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
જ્યારે બીજી તરફ ભારતીય મોસમ વિભાગના પૂર્વાનુમાન મુજબ શિયાળો ગરમ રહેવાનું અનુમાન લગાવામાં આવ્યું છે. કોલ્ડવેવ ફ્રિકવન્સી ઘટશે. સરેરાશ તાપમાનતી ૧ ડિગ્રી તાપમાન ઊંચુ રહેશે. જો કે સામાન્ય ઠંડી જોવા મળશે પરંતુ કોલ્ડવેવની ફ્રિકવન્સી ઘટશે.