લોક મુખે ચર્ચાતો પ્રશ્ન : જન્મ દિવસની પાર્ટી મનાવાઇ રહી હતી ત્યારે પોલીસ તંત્ર શું કરતુ હતું…
સુરત : ગુજરાતમાં કોરોનાની ગાઈડલાઈન માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે તેવા પુરાવા સામે આવી રહ્યાં છે. રસ્તા પરથી પસાર થતા નાગરિકો પાસેથી નિયમોના નામે દંડ ઉઘરાણી કરાવાય છે, પરંતુ અનેક મહાનુભાવો એવા છે જેઓ મોટા કાર્યક્રમો યોજીને છટકી જાય છે. ગઈકાલે બનાસકાંઠામાં યોજાયેલ ડાયરામાં લોકોનો જમાવડો થયાના ૨૪ કલાકમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગ ના ધજાગરા ઉડાવતી વધુ એક ઘટના બની છે. સુરતના પાસના નેતા અલ્પેશ કથીરિયાએ કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાડ્યા છે. અલ્પેશ કથીરિયાના જન્મદિવસનો એક વીડિયો વાયરલ થયો છે. ફાર્મહાઈસમાં ડાયરા અને ગરબાના આયોજન સાથે અલ્પેશ કથીરિયાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં માસ્ક વગર લોકોના ટોળે વળેલા જોવા મળ્યા હતા. સમગ્ર મામલે અલ્પેશ કથીરિયા સહિત ૭ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. ૧૫ થી વધુ લોકો સામે ગુનો નોંધાયો છે. સહજાનંદ ફાર્મ હાઉસના મલિક બુટાણીની પણ અટકાયત કરાઈ છે. સાથે જ ૧ છજીૈં અને ૩ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. સમગ્ર ઘટના મામલે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે.
ગઈકાલે ૧૨ વાગ્યે સુરતના એક ફાર્મહાઉસમાં અલ્પેશ કથીરિયાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. કામરેજ કોસમડાં ગામ સહજાનંદ ફાર્મ ખાતે અલ્પેશ કઠેરિયા જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડાયરના આયોજન સાથે જન્મદિવસના પ્રસંગે ભીડ એકઠી કરવામાં આવી હતી. ડાયરામાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડ્યા અને માસ્ક વિના લોકો ઉમટ્યા હતા. કોઈ પણ પ્રકારની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું ન હતું. જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે. તેમજ રાત્રિ કરફ્યૂ હોવા છતાં આટલી મોટી સંખ્યામાં લોકો કેવી રીતે એકઠા થયા તે મોટો સવાલ છે. સાથે જ જમવાનુ આયોજન પણ કરાયું હતું. રાત્રિ કરફ્યૂમાં કાર્યક્રમોના આયોજન પર બ્રેક લગાવાઈ છે ત્યારે કેવી રીતે આ પ્રકારનું આયોજન કરાયું હશે. સુરત ગ્રામ્યના ડીવાયએસપી ચંદ્રરાજ જાડેજાએ જણાવ્યું કે, વીડિયો વાયરલ થયા બાદ કામરેજ પોલીસે ગુનો નોંધ્યો છે.
૧૫ થી વધુ લોકો સામે ગુનો નોંધાયો છે. જેમાં ૭ની અટકાયત કરાઈ છે. અલ્પેશ ઘનશ્યામ કથીરિયા, નિલેશ મનસુખ કુમભાની, હિતેશ જાસોલિયા, કરુનેશ રાણપરિયા, માઈકલ ઉર્ફે મહેશ વઘાણી, ધાર્મિક માળવીયા, અશ્વીન બગદાણા, હિતેશ ભીખડીયા, નરેશ વિરાણી, નિખિલ સવાણી, ચંદુ દાઢી કોર્પોરેટર, મૌલિક નસીત ઉર્ફે મામા તથા વીડિયોમાં દેખાતા માણસો સામે ગુનો નોંધાયો છે. મિત્ર મંડળ અને ટીમ દ્વારા આયોજન કરાયું હતું. વીડિયો વાયરલ થયો છે તે સ્વીકારુ છું કે મારી ગંભીર ભૂલ છું. પણ આ માત્ર ૧૫-૨૦ મિનીટનું જ આયોજન હતું. જેનો આ વીડિયો છે. ૧૨૦નું જમણવાર હતું, તેનાથી વધુ લોકો એકઠા થયા નથી. માઈકમાંથી અમે ઘણીવાર સૂચના આપી હતી.