લોકરક્ષક દળની ૧૩ મી બેચની દિક્ષાંત પરેડ યોજાઈ…
ગાંધીનગર : ગાંધીનગરની કરાઈ પોલીસ ટ્રેનીંગ ખાતે આજે લોકરક્ષક જવાનોનો દિક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં બિન હથિયારી લોકરક્ષક જવાનોની દિક્ષાંત પરેડ યોજાઈ હતી. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા અને અધિક મુખ્ય સચિવ પંકજ કુમારની હાજરીમાં લોકરક્ષક દળની ૧૩ મી બેચની દિક્ષાંત પરેડ યોજાઈ હતી. ત્યારે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહે કરાઈ ખાતે લોકરક્ષક જવાનોને દીક્ષાત સમારોહમાં સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને મોટી શીખ આપી હતી. તેઓએ જવાનોને કહ્યું કે, આજના સમયમાં સોશિયલ મીડિયાની નજર આપણા પર હોય છે. આ સમયે આપણું વર્તન ઉદાહરણ પુરુ પાડે તેવું હોવું જોઈએ. આજે ગુનેગારો હાઇફાય અને વાઈફાય બની ગયા છે. અનેક ટેકનોલોજીનો સહારો લઈને ગુનો આચરતા થયા છે. પોલીસ વિભાગમાં ટેકનોલોજિકલ અપગ્રેડેશન ત્યારે જ મળે જ્યારે પાયામાં રહેલો લોકરક્ષક જવાન તેનાથી સંપૂર્ણ રીતે સજ્જ હોય.
તે ટેકનોલોજીથી સંપૂર્ણ રીતે માહિતગાર હોય. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે એ દિશામાં ગૃહ વિભાગ કામ કરી રહ્યું છે. અમદાવાદ અને સુરતમાં જ્વેલર્સની લૂંટના બનાવમાં મોટાભાગના આરોપીને પકડી પાડવા માટે પોલીસ કામ કરી રહી છે. વિશેષ પ્રકારની વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. પેટ્રોલિંગ વધે અને સુરક્ષા પૂરી પાડી શકાય એ દિશામાં કામગીરી કરવામાં આવી રહ્યું છે. લોકરક્ષક જવાનોની ભરતી અંગે તેમણે કહ્યું કે, ગુજરાતના પોલીસ તંત્રમાં નવુ યંગ બ્લડ આવે તેવો પ્રયાસ ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં ગુજરાતમાં ૧૨૦૦૦ વધુ લોકરક્ષક ભરતી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આ નિર્ણય લીધો છે આગામી દિવસોમાં પ્રક્રિયા હાથ ધરાશે. પાંચ વર્ષમાં ૫૦ હજાર કરતાં વધુ લોકરક્ષકની ભરતી કરવામાં આવી છે.
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રશિક્ષિત જવાનો કામ કરશે. તો ગુજરાતમાં લવ જેહાદના વધી રહેલા કિસ્સા અને તેની સામે કાયદો બનાવવાની ઉઠેલી માંગ અંગે તેઓએ કહ્યું કે, ગુજરાતમાં લવ જેહાદ આ પ્રકારના કિસ્સાઓ બની રહ્યા છે. આપણી પાસે જે કાયદા છે તેને આધારે પૂરતા એક્શન લેવામાં આવી રહ્યા છે. એવું કરવામાં કોઇ પ્રેરાઈને દિશામાં કામગીરી છે. રાજ્યમાં જુદી જુદી જગ્યાએ આજે અને આવતીકાલે દિક્ષાંત પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કરાઈ, ખલાલ, પીટીએસ, વડોદરા, પીટીસી જુનાગઢ, સોરઠ ચોકી જુનાગઢ વગેરે સ્થળોએ આજે દિક્ષાંત સમારોહ યોજાયો છે. કરાઈ ખાતે ૪૩૮ લોકરક્ષકની દિક્ષા પરેડ યોજાઇ હતી. જેમાં કુલ ૭૮૦૦ લોકરક્ષક દળની પરેડ યોજાઈ હતી.