“વૃક્ષને શિખરે ધજા ફરકાવો હવે અમે વૃક્ષને મંદિર કહીશું…
પ્રકૃતિ પાઠશાળાના વેકેશન ખોલો અમે હવે પર્યાવરણના સાચાં પાઠો શીખીશું.”
આજે વિશ્વ પર્યાવરણ દિવસ…. આજે પર્યાવરણના તમામ તત્વોના જતનની સાથે પર્યાવરણના આધારસ્તંભ એવા વૃક્ષો સાથે વફાદાર સંબંધનો વાયદો કરીએ…
મનુષ્યનું પ્રકૃતિશાસ્ત્ર, સૌદર્યશાસ્ત્ર, ઔષધશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, આધ્યાત્મશાસ્ત્ર વૃક્ષ શાસ્ત્ર સાથે જોડાયેલું છે.અને સમગ્ર જીવન શાસ્ત્ર વૃક્ષ શાસ્ત્ર પર ટકેલું છે. મનુષ્ય નો પ્રાણવાયુ એ વૃક્ષના પર્ણના હરિતકણની દેન છે.માનવજાત પર અસંખ્ય અવિરત ઉપકારો કરનારા વૃક્ષ દેવને કાપવા અને ભૌતિકતા ભણી દોડવું એ ભાનભુલેલા મનુષ્યની દુષ્ટતા છે. વૃક્ષ સજીવ છે વૃક્ષ કાપનાર સામે હત્યાનો ગુનો સાબિત કરી એને મૃત્યુ દંડની જોગવાઈ હોવી જોઈએ કારણકે બુદ્ધિ શાળી માણસ આર્થિક દંડ આપી છટકી જતો હોય છે.
એક વૃક્ષ આજીવન પર્વતની જેમ અડગ ઉભું રહી છાયો આપે છે. એનો જીવન પ્રવાહ પ્રકાશ સંશ્લેષણ કરી નદીની જેમ સતત વહેતો રહી સજીવોને પોષે છે અને પોતાનું અંગે અંગ સાગરની સમૃદ્ધિ જેટલી ઔષધી ઓ ધરાવે છે.
દરેક સજીવના કાળજી પૂર્વકના લાલન પાલન માટે પરમેશ્વરે જગતમાં જનેતાનું નિર્માણ કર્યું છે અને પ્રત્યેક સજીવની જનેતાને દરરોજ ભર્યું ભાણું મળી રહે એ માટે પરમેશ્વરે વૃક્ષનું સર્જન કર્યુ છે.
વૃક્ષો તો અશાબ્દિક લખાયેલા પ્રેમગ્રંથો છે. જેના પાને પાને પ્રભુએ પૃથ્વીના સજીવો માટે પ્રેમ પાથર્યો છે. અને આ પાના વાચવા માટે કોઈ શિક્ષણની જરૂર નથી. અસંખ્ય જીવજંતુઓ અને પક્ષીઓનું આશ્રય સ્થાન ધરાવતા વૃક્ષો સાચા સંતો છે. તેઓ એક એવા વૈરાગીઓ છે જેના પર્ણો સતત રામધૂન, શિવધૂન, પયગંબર ધૂન અને ઈસુ ધૂનનો મંગલ ધ્વનિ રેલાવે છે.
પાનખર પછી જ વસંત આવે છે એવું સમજાવનાર વૃક્ષો જાણે કહે છે જીવનમાં સુખ અને દુઃખ આવે અને જાય સેવા અને પરોપકાર અવિરત રહેવા જોઇએ. અને એટલે જ એક વૃક્ષ જાણે એક મંદિર.. એક વૃક્ષ જાણે આશ્રમ. કેટ કેટલીય સફળ પ્રેમ કહાનીનો યશ યુનિવર્સિટી કેમ્પસમાં ઉભેલા વૃક્ષને આપવો ઘટે! કારણકે એના છાયા તળે કેટલાય યુગલો દિવ્ય યુગલત્વ પ્રાપ્ત કરતાં હોય છે.
માણસને કોણ સમજાવે કે એનો અને વૃક્ષનો નાતો યુગો પુરાવો છે. વાનર માથી આદિમાનવ અને આદિમાનવ માથી માનવની ઉત્કાતિ પ્રક્રિયામાંથી પસાર થતાં માણસ બદલાયો પણ વૃક્ષો બદલાયા નથી. માણસ જન્મે ત્યારે ઘોડિયું બને એમાં વૃક્ષનું લાકડું વપરાય અને મૃત્યુ પામે ત્યારે અર્થી બને ત્યારે પણ વક્ષનુ લાકડું વપરાય. વુક્ષે જાણે મનુષ્યને મદદ કરવા માટે પરમેશ્વરને વાયદો આપ્યો છે. કોઇ જ લૌકિક વ્યવહારોમાં નહીં માનનારા વૃક્ષો મનુષ્યના તમામ લૌકિક વ્યવહારોમાં હંમેશા મદદરૂપ થાય છે. મનુષ્યનાં જીવનમાં લગ્નની જેમ વૃક્ષ દીક્ષાનો પ્રસંગ ઉજવાવો જોઇએ જેમાં તે વૃક્ષ સંબંધિત ડિગ્રી મેળવી વૃક્ષના જતનની જવાબદારી કેળવે.પોતાના કુટુંબના સભ્યો જેટલાં વૃક્ષો વાવે અને વૃક્ષોને પોતાના કુટુંબના સભ્ય બનાવી તેની સાથેના સંબંધો નિભાવે. વૃક્ષે જેમ પરમેશ્વરને વાયદો આપ્યો છે તેમ પોતે પણ વૃક્ષને મદદ કરવાનો વાયદો આપે.
પૃથ્વી પરના પવન પાણી,વાયુ, અગ્નિ,તાપમાન, ભૂમિ,વરસાદ જેવા તમામ પરિબળો માટે છેક પાયામાં વૃક્ષો રહેલાં છે. એ વૃક્ષોને હૃદયસ્થ કરીએ અને હાલની કોરોના મહામારી વૃક્ષોના સહકારથી માત કરવાનો સંકલ્પ કરીએ. તો આપણો પ્રભુ રાજી રાજી.
- લિ. એકતા ઉપેન્દ્રકુમાર ઠાકર
આચાર્યશ્રી, બામણગામ કન્યા શાળા
બામણગામ, તા:-આકલાવ, જી:-આણંદ