હરિયાળા વૃક્ષોના વાવેતરથી કુદરતી ઓકિસજનના પ્રાણવાયુને વધારતા જવું પડશે : જયદ્રથસિંહજી પરમાર
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના રૂદેલ અને ભાદરણિયા તેમજ આણંદ તાલુકાના ખેરડા ગ્રામ પંચાયતના નૂતન ભવનનું લોકાપર્ણ…
આણંદ : પ્રવર્તમાન કોરોના સંક્રમણમાં કોરોનાગ્રસ્ત વ્યકિતનું ઓકિસજન લેવલ ઘટી જાય છે ત્યારે આપણે ઓકિસજન ટેન્ક ઉભી કરવાને બદલે વધુને વધુ હરિયાળા વૃક્ષોના વાવેતરથી કુદરતી ઓકિસ્જનના પ્રાણવાયુ વધારતા જવું પડશે તેમ કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમારે કહ્યું હતું.
આજે આણંદ નગરપાલિકાના ટી.પી. સ્કીમ નં.૧૦ના પ્લોટ નં. ૨૭૦ અને ૨૭૫ ખાતે જિલ્લાના કક્ષાના ૭૧મા વન મહોત્સવ નિમિત્તે છોડને રોપીને કૃષિ રાજય મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમારે પ્રારંભ કરાવ્યો હતો.
મંત્રી શ્રી પરમારે રાજયના વિકાસને ઉંચાઇએ લઇ જવા માટે પર્યાવરણ જાળવણી સાથે શુધ્ધ હવા-પાણીવાળા પ્રદૂષણમુકત ગુજરાતની કલ્પના આપણે પાર પાડવાની છે તેમ જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ આણંદ જિલ્લામાં વન વિભાગ દ્વારા ૩૧ લાખ રોપા ઉછેરવામાં આવ્યા છે ત્યારે વધુને વધુ તેનું વાવેતર કરી ગ્રીન ગુજરાત-કલીન ગુજરાતની વિભાવનાને સાકાર કરવા અપીલ કરી હતી.
આ પ્રસંગે કૃષિ રાજય મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમારે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના રૂદેલ અને ભાદરણિયા તેમજ આણંદ તાલુકાના ખેરડા ગ્રામ પંચાયતના નૂતન ભવનની તકતીનું અનાવરણ કરી લોકાર્પણ કર્યું હતું.
કૃષિ રાજય મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમારની સાથે સંસદસભ્ય શ્રી મિતેષભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી મયુરભાઇ રાવલ સહિત ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ પણ વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે સંસદસભ્ય શ્રી મિતેષભાઇ પટેલે કૃષિ રાજય મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમારને સ્મૃતિ ચિહન આપી સન્માનિત કર્યા હતા.
આણંદના નગરપાલિકાના ટી.પી. સ્કીમ નં. ૧૦ના આ બંને પ્લોટમાં ૫૦૦ નક્ષત્ર આધારિત વિવિધ વૃક્ષોનું વાવેતર કરીને ઉછેર કરવામાં આવનાર છે.
આ પ્રસંગે ખંભાતના ધારાસભ્ય શ્રી મયુરભાઇ રાવલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રી કાંતિભાઇ ચાવડા, જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમાર, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક
શ્રી એન. શ્રીવાસ્તવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આર. એમ. ખાંટ, પૂર્વ મંત્રી શ્રી રોહિતભાઇ પટેલ, જિલ્લા અગ્રણી શ્રી મહેશભાઇ પટેલ, આણંદના નાયબ વન સંરક્ષક શ્રી બી. આર. પરમાર, રૂદેલ, ભાદરણિયા અને ખેરડા ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.