પ્રાકૃતિક કૃષિ દ્વારા ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે નવો જ અધ્યાય શરૂ થઇ રહ્યો છે : રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત
તાલીમબધ્ધ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનો સંદેશો ગામે-ગામના ખેડૂતો સુધી પહોંચાડવા રાજયપાલશ્રીનો અનુરોધ…
આણંદ : ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ વિષયક વર્કશોપમાં કિસાનોની ઉપસ્થિતિ અને કિસાનોના ઉત્સાહના દર્શન કરતાં ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવો જ અધ્યાય શરૂ થઇ રહ્યો હોવાનું કહ્યું હતું.
રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે આણંદ ખાતે મધ્ય ગુજરાત ઝોન અને આણંદ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, બોટાદ, મહીસાગર, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના પ્રાકૃતિક કૃષિની તાલીમ પામેલા માસ્ટર ટ્રેનરોની રાજય સરકારના કૃષિ, ખેડૂત, કલ્યાણ અને સહકાર વિભાગ, આત્મા ડાયરેકટર, સમેતી, ગાંધીનગર અને આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે યોજાયેલ પ્રશિક્ષિત ખેડૂતોની તાલીમ કાર્યશાળાના અધ્યક્ષસ્થાનેથી રાસાયણિક ખેતીને કારણે જળ-જમીન-વાતાવરણથી માંડીને ખાદ્યાન્ન દૂષિત થઇ ગયા છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી થકી ઉત્પાદનની સાથે ગુણવત્તા તરફ પણ ધ્યાન કેન્દ્રિત કરી શહેરી વિસ્તારના લોકો ફેમીલી ડૉકટરની જેમ ફેમીલી ખેડૂતના વિચારને અપનાવતા થાય તેવા વાતાવરણના નિર્માણની સાથે પ્રાકૃતિક ખેતી પ્રતિ સંકલ્પબધ્ધ થવા કહ્યું હતું.
રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે, ધરતી ઉપર માનવ અસ્તિત્વની સાથે કૃષિની શરૂઆત થઇ ત્યારથી કોઇ રાસાયણિક ખેતી કરતું ન હતું. રસાયણો વિના કૃષિ થાય નહીં એવો ભ્રમ હવે ભાંગવો પડશે. તેમણે રાસાયણિક ખાતરો અને કીટનાશક દવાઓના ઉપયોગથી આપણે જમીનો બંજર બનાવી દીધી છે અને જે ખેડૂતોના મિત્ર છે તેવા અળસિયા અને સૂક્ષ્મ જીવોનું સંવર્ધન થતું નથી તેમ જણાવી સાચા અર્થમાં અળસિયા ખેડૂતોના મિત્ર છે ત્યારે આ અળસિયાના સંવર્ધન માટે પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત સમજાવી હતી.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજયમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે રાજય સરકારના સઘન પ્રયાસોના ભાગરૂપે આજે ગુજરાતમાં એક નવી પ્રાકૃતિક કૃષિ ખેતીનો એક નવો અધ્યાય શરૂ થઇ ગયો હોવાનું જણાવી જે ખેડૂતો તાલીમબધ્ધ થયા છે તે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનો સંદેશો ગામે-ગામ ખેડૂતો સુધી પહોંચાડવા પ્રતિબધ્ધ થવા હાંકલ કરી હતી.
ગુજરાતની પવિત્ર ધરતી પર સેવા કરવાનો લાભ મળ્યો એ પોતાનું સદભાગ્ય હોવાનું જણાવી રાજયપાલશ્રીએ ઉમેર્યું કે, જે ધરતીએ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, મહર્ષિ દયાનંદ સરસ્વતીથી માંડીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી જેવા સપૂતોને જન્મ આપ્યો છે તે ધરતીના ધરતીપુત્રો હવે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશનું દિશાદર્શન કરવા સજજ થઇ રહયા છે. એક દેશી ગાયથી ૩૦ એકર જમીનમાં સુભાષ પાલેકર વિધિથી પ્રાકૃતિક કૃષિ થઇ શકે છે, તેમ જણાવી આ પધ્ધતિના લાભ ગણાવતાં રાજયપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું નથી, કૃષિ ખર્ચ અત્યંત ઘટે છે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વપરાશથી બંજર બનતી જમીન અટકશે અને જમીનની ફળદ્રુપતા વધશે તેમ કહ્યું હતું.
આ પ્રસંગે નવ જિલ્લાના કન્વીનરો અને સહકન્વીનરો સાથે રાજયપાલશ્રીએ શુભેચ્છા મુલાકાત કરી તેઓની સાથે વાર્તાલાપ કર્યો હતો અને પુષ્પગુચ્છ તથા પુસ્તક અર્પણ કરી તેઓનું અભિવાદન કર્યુ હતું.
આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. આર. વી. વ્યાસ, આત્માના ડાયરેકટર શ્રી કે.ડી.પંચાલ, જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમાર સહિત નવ જિલ્લાના અને તાલુકાના કન્વીરનરો-સહકન્વીનરો તેમજ વિશાળ સંખ્યામાં કિસાનો ઉપસ્થિત રહ્યા હતા.