ખાનગી તબીબોના સહારે જતા તગડી ફી અને પરીક્ષણના ખેલથી ત્રસ્ત થવા પામતા હોય સિવીલ હોસ્પીટલ સાકાર મુદ્દે ચૂપકીદી કેમ? જેવા સવાલ પ્રજામાં ઉઠવા પામ્યા હોવાનું જાણવા મળેલ છે…
આણંદ,
આણંદ ખાતે છેલ્લા છ વર્ષ ઉપરાંતથી સિવીલ હોસ્પીટલ બનાવવા બાઇ બાઇ ચારણીના ખેલ રમાઇ રહ્યા છે ત્યારે આણંદ ખાતે સિવીલ સાકાર ન થાય તે મુદ્દે કયા પરીબળો બાધક બની રહ્યા છે? ડોકટર્સ પર હુમલાના મુદ્દે વિરોધ થાય પરંતુ આણંદ પંથકના ગરીબ અને મધ્યમ પરીવારના દર્દીઓ સિવીલ હોસ્પીટલના અભાવના કારણે ખાનગી તબીબોના સહારે જતા તગડી ફી અને પરીક્ષણના ખેલથી ત્રસ્ત થવા પામતા હોય સિવીલ હોસ્પીટલ સાકાર મુદ્દે ચૂપકીદી કેમ? જેવા સવાલ પ્રજામાં ઉઠવા પામ્યા હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ ખાતે સિવીલ હોસ્પીટલ સાકાર કરવા મુદ્દે છેલ્લા છ વર્ષ ઉપરાંતથી જગ્યાના બહાના હેઠળ બાઇ બાઇ ચારણીના ખેલ ચાલી રહ્યા છે. જેના કારણે બિલાડીના ટોપની માફક ખાનગી તબીબો તેમજ ખાનગી હોસ્પીટલ ખુલવા પામતા તબીબી સારવાર મોંઘી બનવા પામી છે. આજે પશ્ચિમ બંગાળમાં ડોકટર પર થયેલ હુમલાના વિરોધમાં ઇન્ડીયન મેડીકલ એસો. દ્વારા ૨૪ કલાક તબીબી સેવા મુદ્દે હડતાલ પાડવામાં આવી અને વિરોધ વ્યકત કરવામાં આવ્યો. જેમાં આણંદ ખાતે પણ ડોકટર્સ દ્વારા વિરોધ ધરણા રેલીના આયોજન કરાયા પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે આણંદ ખાતે સિવીલ હોસ્પીટલને સાકાર કરવા કેટલાક પરીબળો ભાગ ભજવી રહ્યા હોય ગરીબ તથા મધ્યમ વર્ગના દર્દીઓની ખાનગી તબીબ પાસે સારવાર કરાવવાના કારણે આર્થિક સ્થિતિ કથળવા પામતી હોય છે ત્યારે તે સમયે ડોકટર્સ પણ માનવતા મુકી દેતા નજરે ચઢે છે. કોઇપણ ખાનગી તબીબ કે ખાનગી હોસ્પીટલમાં તબીબની સેવા લેતા પૂર્વે જ રૂા. ૬૦૦ થી ૧૫૦૦ સુધીના ચાર્જ વસુલવામાં આવતા હોય છે. બાદમાં તબીબ દ્વારા વિવિધ પરીક્ષણ કરાવવાના બહાના હેઠળ ચાર્જ વસુલવાના ખેલ રચવામાં આવતા હોય છે.
ત્યારે ઇન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા ધારાધોરણ નિશ્ચિત કેમ કરવામાં આવતા નથી. આણંદ ખાતે સરકાર દ્વારા સિવીલ હોસ્પીટલ સાકાર કરવાના શમણા બતાવવામાં આવે છે પરંતુ નક્કી કરેલ જગ્યા મુદ્દે સ્થાનિકો દ્વારા વિરોધ ઉઠાવી સિવીલ હોસ્પીટલ સાકાર ન થાય તેવા ત્રાગા કોના ઇશારે કરવામાં આવી રહ્યા છે જેવા સવાલો પ્રજામાં ચર્ચાની એરણે ચઢવા પામ્યા છે.