આણંદ જિલ્લામાં કુલ ચાર ગામોમાં સ્વયંભૂ લોકડાઉન…
જિલ્લાના ડેમોલ, રૂપિયાપુરા, સારસા, વિરસદ, મલાતજ, પણસોરા અને ચાંગા બાદ આજથી કોઠાવી ગ્રામ પંચાયતે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર…
આણંદ : કોરોના સંક્રમણનો કહેર હવે ગામડાઓમાં પણ પ્રવેશતા ગ્રામ પંચાયતો સતર્ક થઈ રહી છે, ત્યારે આણંદના ડેમોલ, રૂપિયાપુરા, સારસા, વિરસદ, મલાતજ, પણસોરા અને ચાંગા બાદ આજથી કોઠાવી ગ્રામ પંચાયતે સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. આણંદના સોજીત્રા તાલુકાના ૧૫૦૦ની વસ્તી ધરાવતા ખોબા જેવડા કોઠાવી ગામમાં ચાર જેટલા કેસોએ ડંકો દેતા જ ગ્રામ્ય પ્રજા સળવળી ઉઠી અને સરપંચ, સભ્યો અને આગેવાનો સાથે કોરોના અટકાવ બાબતે મીટીંગ કરી હતી. જેમાં વેક્સિનેશનની સંખ્યા અસરકારક રીતે વધારવા સાથે સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો.
નોંધનીય છે કે, મલાતજ, પણસોરા અને ચાંગામાં સ્વૈચ્છિક લોકડાઉન ચાલી રહ્યુ છે ,ત્યારે આજથી કોઠાવી ગ્રામ પંચાયતે પણ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. આ બાબતે સરપંચ શ્રધ્ધાબેન પટેલ સાથે સંપર્ક કરતા જણાવ્યું હતું કે, ગામમાં શંકાસ્પદ કોરોનાના વધતા કેસો લઈ જનહિતને ધ્યાને લઈ નિર્ણય લેવાયો છે. આજથી ૧૭ એપ્રીલ સુધી ગામમાં લોકડાઉન રહેશે. જેમાં સવારે ૭થી ૧૦ અને સાંજે ૫થી ૮ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રખાશે. જે મુજબ સવારે ૧૦થી સાંજે ૫ અને રાત્રે ૮થી સવારે ૭ કલાક સુધી સ્વૈચ્છિક લોકડાઉન રહેશે. તમામ નાગરિકોને સરકારી ગાઈડલાઈનનું પાલન કરવા સૂચનાઓ આપવામાં આવી છે.