જિલ્લામાં કુલ 23 પોઝિટિવ પૈકી ખંભાતમાંથી 18 પોઝિટિવ કેસ નોંધાતા ખંભાતવાસીઓમાં દહેશત વ્યાપી…
આણંદ : આણંદમાં આજે વધુ 6 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં ખંભાતમાં એક જ પરિવારના 5 સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે જે કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા જ્યારે અન્ય એક 45 વર્ષની વ્યક્તિ ઉમરેઠની છે જેને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ આણંદ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 23એ પહોંચી ગઈ છે.
નોંધનીય છે કે, આણંદ જિલ્લાના ખંભાતમાં સ્થિતિ સૌથી વધારે ખરાબ છે જ્યાં એક જ વિસ્તારમાંથી 18 કેસ પોઝિટિવ આવ્યા છે. આજે ઉમરેઠની જે વ્યક્તિ (રાજુભાઈ ગાંધી, ઉ.વ. ૪૫) ને કોરોના પોઝિટિવ આવ્યો છે તેને નડિયાદ સિવિલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે.
આણંદ જિલ્લામાં જે 6 નવા કેસ સામે આવ્યા છે તેમાં ત્રણ મહિલા (60 વર્ષ, 24 વર્ષ, 35 વર્ષ) અને ત્રણ પુરુષ (22 વર્ષ, 44 વર્ષ, 45 વર્ષ) છે.
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે વડાપ્રધાને અગાઉ ર૧ દિવસના લોકડાઉનની જાહેરાત બાદ તાજેતરમાં તા. ૩ મે સુધી લોકડાઉન લંબાવ્યું છે. રાજયમાં અન્ય જિલ્લાઓની સરખામણીએ અત્યાર સુધી ઓછા કેસ ધરાવતા આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં પોઝિટિવ કેસોમાં ઉછાળો નોંધાયો છે. તેમાંયે જિલ્લામાં કુલ 23 પોઝિટિવ પૈકી ખંભાતમાંથી 18 પોઝિટિવ કેસ નોંધાતા ખંભાતવાસીઓમાં દહેશત વ્યાપી છે.