ભાજપે ગ્રામ્ય વિસ્તારમાં ક્ષત્રિય સમાજનો દબદબો જોવા મળ્યો છે, ૧૦૦ બેઠકો ક્ષત્રિય સમાજને ફાળે ગઇ છે…
આણંદ નગરપાલિકાની ચૂંટણી માટે ૧૯ જેટલા કાઉન્સિલરોની ટિકિટ કપાઈ જવા પામી છે, જયારે ૯ કાઉન્સિલરોને રીપીટ કરાયા છે…
બીજેપી પાર્ટી દ્વારા તમામ વોર્ડમાં જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને ટિકિટોની ફાળવણી કરાઈ છે…
આણંદ : જિલ્લા પંચાયતની આગામી તા. ૨૮ ફેબ્રુ.ના રોજ યોજાનારી ચુંટણી માટે ભાજપની આજે યાદી બહાર આવતાં ઉત્સુકતાનો અંત આવ્યો હતો. જોકે પ્રદેશના નવા નિયમોના પગલે ભાજપના ૪ ઉમેદવારની બાદબાકી કરાઇ હતી. જયારે અન્ય ચારને રિપિટ કરી નવા ૩૮ ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યુ હતું. આણંદ જિલ્લા પંચાયતની ૨૮ ફેબ્રુ.ની ચૂંટણીના પગલે જિલ્લા ભરમાં રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. જેમાં ભાજપ – કોંગ્રેસ દ્વારા અંતિમ સમય સુધી યાદી જાહેર કરવામાં ન આવતાં કાર્યકરોમાં પણ ઉત્સુકતા વધી હતી. દરમિયાન ગુરુવારે બપોરે ભાજપની યાદી બહાર આવતાં જ વાતાવરણમાં ગરમાવા સાથે કહી ખુશી કહી ગમનો માહોલ છવાયો હતો. હાલમાં આણંદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સત્તા છે. ૪૨ બેઠકો પૈકી કોંગ્રેસ પાસે ૩૦ બેઠકો છે. જયારે ભાજપ પાસે ૧૨ બેઠકો છે. ગુરૂવારે ભાજપની યાદી જાહેર થઇ હતી. જેમાં જિલ્લા પંચાયતના ૧૨ પૈકી ૪ સભ્યો નવા નિયમોના દાયરામાં આવતાં હોવાથી તેઓની બાદબાકી કરી હતી.
આણંદ જિલ્લાની ૮ તાલુકા પંચાયતની ૧૯૬ બેઠકો માટે ભાજપ દ્વારા યાદી જાહેર કરાઇ છે. ભાજપે ગ્રામ્ય વિસ્તારમાં ક્ષત્રિય સમાજનો દબદબો જોવા મળ્યો છે.૧૦૦ બેઠકો ક્ષત્રિય સમાજને ફાળે ગઇ છે.
બીજેપી પાર્ટી દ્વારા તમામ વોર્ડમાં જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને ટિકિટોની ફાળવણી કરાઈ છે. ૧૩ વોર્ડની ૫૨ બેઠકો પર ર૧ પટેલ, ૯ ક્ષત્રિય, ૭ મુસ્લિમ,૨ ક્રિશ્ચિયન, ર બ્રાહ્મણ, ર એસસીએસટી, ર વસાવા, ૧ બારોટ, ૧ દરજી, ૧ બારોટ અને ૧ સિંધી જ્ઞાતિના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.
આણંદ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની સત્તાવાર બહાર પડેલી યાદીમાં ભાજપની નવી પોલીસી તથા અન્ય કારણોસર ૧૯ જેટલા કાઉન્સિલરોની ટિકિટ કપાઈ જવા પામી છે. જયારે ૯ કાઉન્સિલરોને રીપીટ કરાયા છે.