વાત છે મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના વતની બાળકના પુનઃસ્થાપનની…
અંદાજે બે(૨) મહિના બાદ પરત મળી આવતા પૌત્રને જોઈને દાદીની આંખોમાં ખુશીના આંસુઓ વહેવા માંડયા અને તેઓ ભાવવિભોર બન્યાં…
આણંદ : અરે દિકરા કોણ છે તું અને રેલ્વે સ્ટેશન પર કેમ ફરી રહ્યો છું? તું અહીં ઘણા સમયથી જોવા મળી રહ્યો છું તારે તારા ધરે નથી જવાનું? તારા પરિવારજનો તારી રાહ જોતા હશે ! આ શબ્દો નડિયાદ ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના અધિકારી દ્વારા રેલ્વે સ્ટેશન પર ફરી રહેલા અને અજાણ્યા જેવા લાગતાં બાળકને પૂછતાં બાળકે કોઈ પણ પ્રકારનો જવાબ ન આપતાં તેમને શંકા ગઈ અને પછી શું થયું આવો જાણીએ…
અહીં વાત છે, મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર જિલ્લામાં રહેતા બાળકની મહારાષ્ટ્ર રાજ્યનાં નાગપુર જિલ્લામાં રહેતો આ બાળક કે જેના માતા-પિતાનું અવસાન થતાં તે તેના દાદી અને કાકા સાથે રહેતો હતો, પરંતુ ઘરમાં રોજે રોજના ઝઘડાંને કારણે તેને પરીવારજનો દ્વારા વારંવાર ઠપકો મળતાં તેણે ઘર છોડવાનો રસ્તો અપનાવ્યો હતો. જે બાદ તે નડીયાદ આવી પહોંચ્યો હતો.
નડીયાદ રેલ્વે સ્ટેશન પરથી ચાઈલ્ડ લાઈન અને વેલ્ફેર કમિટીને આ અજાણ્યો બાળક મળી આવતાં આ બાળકને આણંદ જિલ્લાના ચિલ્ડ્રન હોમમાં આશ્રય માટે લાવવામાં આવ્યો હતો જે બાદ જિલ્લાની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા આ બાળકને ચિલ્ડ્રન ફોર બોયઝ વિદ્યાનગરમાં આશ્રય આપવામાં આવ્યો હતો.
આ બાળકને આશ્રય આપ્યા બાદ સંસ્થા દ્વારા બાળકનું સતત કાઉન્સેલીંગ કરવામાં આવતું હતું જેમાં બાળકને તેના પરીવાર અંગે અને તે કયાંનો વતની છે તે અંગે પૂછપરછ કરવામાં આવતી હતી.
સંસ્થા દ્વારા બાળકનું સતત કાઉન્સેલિંગ કરતા છેવટે બાળકે મહારાષ્ટ્ર રાજ્યનાં નાગપુર જિલ્લાનો વતની હોવાનું જણાવ્યું હતું.
બાળક પાસેથી મળેલી વિગતના આધારે બાળકના પરીવાર સાથે પુનઃસ્થાપન કરાવવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં હતા, પરંતુ બાળકના કુટુંબીજનોની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેમજ કોરોના મહામારીને લીધે રોજગારીનો સ્ત્રોત ઉપલબ્ધ ન હોવાથી તેઓ બાળકને લેવા આવવા માટે તૈયાર ન હતા. જેથી બાળકને તેના પરિવાર સાથે પુનઃસ્થાપન કરાવવાની કામગીરીમાં થોડો વિલંબ થયો હતો.
આ બાળકને તેના પરીવાર સુધી કોઈ પણ રીતે પહોંચાડવાનું મન બનાવી લીધેલ જિલ્લા બાળ સુરક્ષા એકમના જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી પાર્થ ઠાકર અને સુરક્ષા અધિકારી(સંસ્થાકીય સંભાળ) જીગીશા ઝાલાએ સતત પ્રયાસો શરૂ કર્યા અને નાગપુર ચાઈલ્ડ વેલફેર કમિટી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી સાથે સતત સંપર્ક અને સંવાદ તેમજ પત્રવ્યવહાર કરીને બાળકને કચેરીના સ્ટાફ અને પોલીસ એસકોર્ટ સાથે મૂકવા આવવાની તેમજ ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી દ્વારા પણ આ બાળકને મુકવા જવાની મંજૂરી મેળવવામાં આવી અને આ મંજૂરી સંબંધિતો દ્વારા આપવામાં આવી હતી.
આ મંજૂરી મળતાં જ આ બાળકને તા.૧૦-૧૧-૨૦૨૦ના રોજ ટ્રેન મારફતે જિલ્લા બાળ સુરક્ષા એકમના જીમી પરમાર, સુરક્ષા અધિકારી, બિનસંસ્થાકીય સંભાળ દ્વારા પોલીસ એસકોર્ટ સાથે બાળકને તેના પરિવાર સાથે પુનઃસ્થાપન માટે નાગપુર લઈ જવામાં આવ્યો હતો.
જ્યાં ચાઈલ્ડ લાઈન વેલફેર કમિટીના ચેરમેનશ્રી, સભ્યશ્રીઓ અને જિલ્લા બાળસુરક્ષા અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં બાળકને સલામત રીતે દાદીને સોંપવામાં આવ્યો હતો.
અંદાજે ૨ મહિના બાદ પોતાના પૌત્રને જોતા જ દાદીની આંખોમાં ખુશીના આંસુઓ વહેવા માંડયા હતા અને તેઓ ભાવવિભોર બની ગયાં હતાં.
આમ, જિલ્લા બાળ સુરક્ષા એકમ આણંદ, ચાઈલ્ડ લાઈન વેલફેર કમિટી આણંદ, પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસોથી પોતાનું ઘર છોડીને નીકળી ગયેલ બાળકનું આજે પોતાના જ પરીવારમાં સફળતા પૂર્વક પુનઃસ્થાપન થયું હોવાનું આણંદના જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી એસ.એમ.વ્હોરાએ જણાવ્યું છે.