શાળાઓમાં સલામતી સાથે શિક્ષણ કાર્ય થાય તે માટે એસ.ઓ.પી માં દર્શાવેલ દિશા નિર્દેશો મુજબ જ જિલ્લાની તમામ શાળાઓમાં વ્યવસ્થા કરવામાં આવી…
આણંદ : સમગ્ર રાજ્યમાં કોરોનાની તીવ્રતા દિવસેને દિવસે ઘટતી જાય છે ત્યારે આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ પણ લેવાવાની છે ત્યારે વિદ્યાર્થીઓના લાંબા ગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજ કક્ષાએ અંડર ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષના તથા પોસ્ટ ગ્રેજ્યુએટ ના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.
આ નિર્ણયના ભાગરૂપે આજે સમગ્ર રાજ્યની સાથે આણંદ જિલ્લાની વિવિધ શાળાઓમાં આ ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ તથા કોલેજમાં શૈક્ષણિક કાર્યનો શુભારંભ થયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ શહેર સહિત જિલ્લાની શાળાઓમાં આશરે ૪૮૦૦૮ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨ માં અભ્યાસ કરે છે, તે પૈકી આશરે ૨૯૫૦૦ જેટલા વિદ્યાર્થીઓના વાલીઓએ પ્રથમ તબક્કે જ સંમતિ આપી હતી.
શાળાઓમાં સલામતી સાથે શિક્ષણ કાર્ય થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા એસ.ઓ.પી માં દર્શાવેલ દિશા નિર્દેશો મુજબ જ આણંદ જિલ્લાની તમામ શાળાઓમાં વ્યવસ્થા કરવામાં આવી છે”.શાળાઓની આસપાસ આવેલ મેડિકલ સુવિધાઓ, પ્રાઇમરી – કોમ્યુનિટી હેલ્થ સેન્ટર વગેરેની તમામ વિગતો તેના કોન્ટેક્ટ પર્સન જેવી અન્ય જરૂરી માહિતી પણ શાળા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાની કચેરીઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.