Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : મુખ્યમંત્રીના હસ્તે ખંભાત તાલુકાના ૭૦ હજાર ઉપરાંત લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ…

રાજ્ય સરકારે જનતાની સુખાકારી માટે ઝડપથી નિર્ણયો લઇ પ્રજાજનોની આશાઓ અને આકાંક્ષાઓ સપનાને સાકાર કર્યો છે : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

  • રાજ્ય સરકાર સમાજના છેવાડાના માનવીના આર્થિક ઉત્કર્ષ માટે પ્રતિબધ્ધ છે…

મુખ્યમંત્રીના હસ્તે ખંભાત નગરપાલિકા દ્વારા જનસુવિધા અને જન સુખાકારીના રૂ. ૧૨.૮૫ કરોડના છ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ…

આણંદ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ કે રાજ્ય સરકારે ગુજરાતની સાડા છ કરોડની જનતાની સુખાકારી માટે ઝડપી નિર્ણયો લઇ પ્રજાજનોની આશાઓ અને આકાંક્ષાઓ તેમજ સપનાને સાકાર કર્યો છે. આ સંદર્ભે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે પારદર્શીતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને ગતિશીલતાના ચાર આધારસ્તંભો ઉપર રાજ્ય સરકાર સમાજના છેવાડાના માનવીના આર્થિક ઉત્કર્ષ માટે સદાય પ્રતિબદ્ધ છે.

મુખ્યમંત્રીશ્રી આણંદ જિલ્લાના પ્રભારી અને પંચાયત રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં આજે આણંદ જિલ્લાના ખંભાત ખાતે જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ઘરાયેલ જન વિકાસ ઝુંબેશ અંતર્ગત ૩૦ લાભાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના  લાભોનું પ્રતિકાત્મક વિતરણ કર્યુ હતુ.

મુખ્યમંત્રીશ્રીએ ખંભાત નગરપાલિકા દ્વારા રૂ. ૭.૫૮ કરોડના ખર્ચે નિર્માણ થનાર જનસુવિધા અને જન સુખાકારીના બે વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા રૂ. ૫.૨૭ કરોડના ચાર વિકાસ કામોનું લોકાર્પણ કર્યુ હતુ.

રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણા અને આણંદ જિલ્લાના કલેક્ટર શ્રી આર.જી.ગોહિલના સફળ નેતૃત્વમાં ખંભાત તાલુકામાં જન વિકાસ ઝુંબેશ હેઠળ ૭૦ હજારથી વધુ લાભાર્થીઓને ઘરે ઘરે થી શોધી કાઢી રાજ્ય સરકારની પ્રજાકલ્યાણની યોજનાઓના લાભો હાથો હાથ કોઇપણ જાતના વચેટિયા વગર સીધે સીધા તેમના હાથમાં પહોંચાડી  ગરીબો,પીડિતો, વંચિતોને આ સરકાર છેવાડાના માનવીની સરકાર છે તેની સંવેદનશીલતાની પ્રતિતિ કરાવી છે.

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ૬૧ ગામોમાં પાત્રતા ધરાવતા અને સરકારી યોજનાઓના લાભોથી વંચિત લાભાર્થીઓને શોધી કાઢવા એક માસની જનવિકાસ ઝુંબેશ જિલ્લા તંત્ર દ્વારા ચલાવવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ખંભાતનો વૈભવ વારસો પુનઃપ્રસ્થાપિત થાય તે માટે ખંભાતના બંદરને પુનઃજિવત કરવા સાથે ખંભાતમાં જી.આઇ.ડી.સી.ની સ્થાપના કરવામાં આવશે તેમ પણ આ વેળાએ જણાવ્યુ હતુ. તેમણે ઉમેર્યુ કે રાજ્ય સરકારે નાનામાં નાના માણસોના કામોને પ્રાધાન્ય આપી તેને મળવાપાત્ર લાભો સરકારી કચેરીઓના ધક્કા ખાધા સિવાય કોઇપણ જાતના વચેટીયાઓ  વગર સીધે સીધા તેમના હાથમાં પહોંચાડી પારદર્શી પ્રશાસનની પ્રતિતિ કરાવી છે.

સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે જણાવ્યુ કે સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હૈયે સમાજના છેવાડાના માનવીનું હિત રહેલુ છે. મિનીમમ ગર્વમેન્ટ અને મેક્ઝીમમ ગર્વનન્સના મંત્ર સાથે સરકારે કમર કસી છે તેનો ઉલ્લેખ કરતા શ્રી પટેલે જણાવ્યુ કે તારાપુર અને ખંભાત તાલુકાના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને તેમને મળવા પાત્ર લાભો સીધા  પહોંચાડયા છે.

સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી ૩૪૦૦ થી વધુ ઇન્ડીકેટર સાથે મુખ્યમંત્રી શ્રી સરકારની યોજનાઓનું સીધુ મોનીટરીંગ કરી રહ્યા છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

આ અવસરે સાસંદ શ્રી લાલસિંહ વડોદિયા, પૂર્વ સાસંદશ્રી દિલીપભાઇ પટેલ, પૂર્વ મંત્રી શ્રી રોહિતભાઇ પટેલ, પૂર્વમંત્રી શ્રી સી.ડી.પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી અંબાલાલ રોહિત, સંજયભાઇ પટેલ, અગ્રણી શ્રી મહેશભાઇ પટેલ , સુભાષભાઇ બ્રહ્મભટ્ટ, રમણભાઇ સોલંકી, છત્રસિંહ, મહિલા અગ્રણી શ્રીમતી હંસાકુંવરબા રાજ, આઇ.જી. રેન્જ શ્રી જાડેજા, કલેકટરશ્રી આર.જી.ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશિષકુમાર , નગરપાલિકા પ્રમુખ શ્રી યોગેશભાઇ ઉપાધ્યાય, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી જશોદાબેન મકવાણા, તાલુકા જિલ્લા પંચાયત સદસ્યો, નગરસેવકો, પદાધિકારીઓ, સહિત વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ , નાગરિકો તથા શહેરીજનો હાજર રહ્યા હતા.

Related posts

દિવાળીમા લક્ષ્મીની તમારી રાશિ અનુસાર પૂજા કરવાથી ઘરમા બરકત રહે છે અને પરિવારમા સુખ શાતિ કાયમ રહે…

Charotar Sandesh

સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલી નરેન્દ્ર મોદીનું નામ જોડવામાં આવતા સરદાર પટેલ પ્રેમીઓમાં નારાજગી

Charotar Sandesh

આણંદ પાસે આ ટ્રેનમાંથી મોબાઈલ-દાગીના સહિત રોકડ ભરેલ પર્સ મળી કુલ ૧.૭૧ લાખનો મુદ્દામાલ ચોરાયો

Charotar Sandesh