આણંદ : તાલુકાના મોગર ગામની સીમમાં નેશનલ હાઇવે નં.૪૮ ઉપર ટાયર બદલાવા ઉભેલ આઈશર ટેમ્પાને રોડ ઉપર પુરપાટ ઝડપે આવતા ટેમ્પાએ જોરદાર ટક્કર મારતા ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ અને ક્લીનરનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું જ્યારે પુરપાટ ઝડપે અથડાયેલા ટેમ્પા ચાલકનું પણ સ્થળ ઉપર જ મોત થયું હતું. આ બનાવ અંગે વાસદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બોરસદ તાલુકાના નાના શેરડી ગામના રબારીવાસમાં રહેતા અરજીભાઈ મેમાભાઈ રબારી ગામના જશવંતભાઈ માસ્તરની કપાસ ભરેલો આઈસર ટેમ્પો લઈને ઈડર જવા માટે નીકળ્યા હતા. તેમની સાથે ત્રણ ખેડુતો દિનેશભાઈ રાવજીભાઈ પઢીયાર, મનહરસિંહ જશવંતસિંહ ઝાલા અને લક્ષ્મણસિંહ છત્રસિંહ પઢીયાર અને ક્લીનર તરીકે ગોકળભાઈ જેઠાભાઈ પઢીયાર આઈસર ટેમ્પો લઈને નેશનલ હાઈવે નં.૪૮ ઉપર મોગર ગામની સીમમાં બીટુ હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટેમ્પોનો આગળનું ટાયર ફાટતા ચાલક અરજીભાઈએ ટેમ્પોને કન્ટ્રોલ કરતા ટેમ્પો રોડની ડીવાઈડર નજીક ટ્રેક ઉપર ઉભો કરી દીધો હતો.
ગાડીની પાર્કિંગ લાઈટો ચાલુ કરી તેઓ ગાડીનું ટાયર બદલવા માટે ગાડીની નીચે ઉતર્યા હતા. અને અરજીભાઈ ગાડીનું ટાયર ખોલતા હતા જ્યારે ક્લીનર ગોકળભાઈ જેક ચડાવતો હતો અને ત્રણ ખેડુતો બાજુમાં ઉભા હતા ત્યારે રાત્રીના ૧૦-૩૦ વાગ્યાના સુમારે પાછળથી પુરપાટ ઝડપે આવતા ટેમ્પોના ચાલકે ટાયર બદલવા ઉભેલા ટેમ્પોને પાછળથી જોરદાર ટક્કર મારતા ટેમ્પો ખેંચાઈને ડીવાઈડર પર ચઢી ગયો હતો. આ અકસ્માતમાં દિનેશભાઈનેમાથામાં મનહરભાઈને થાપામાં અને પગમાં ઈજાઓ પહોંચી હતી. જ્યારે ક્લીનર ગોકળભાઈ જેઠાભાઈ પઢીયાર ટેમ્પા નીચે કચડાઈ જતા સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. પુરપાટ ઝડપે પાછળથી અથડાનાર ટેમ્પોના કેબીનનો કચ્ચરગાણ વળી ગયો હતો. ડ્રાઈવર તથા ક્લીનર કેબીનમાં ફસાઈ ગયા હતા. જેમાં ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
જ્યારે ક્લીનર રમણભાઈ ભીખાભાઈ પરમારને આસપાસથી દોડી આવેલા લોકોએ બહાર કાઢ્યો હતો. ઘટનાની જાણ થતા ૧૦૮ ની એમ્બ્યુલન્સ આવતા ઈજાગ્રસ્ત બંને જણાને ત્વરીત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા વાસદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને આ બનાવ અંગે અરજીભાઈ મેમાભાઈ રબારીની ફરિયાદના આધારે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે મોતને ભેટનાર બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ આજે તેમના પરિવારજનોને સુપ્રત કરાયા હતા.