સુરતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધતા અટકાવવા પગલાં લેવા સૂચન કર્યું…
સુરત : રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવીએ આજે સુરત પહોચ્યા હતા. અને ત્યા તેમણે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછા નિધી પાણી સહિત આરોગ્ય અધિકારી અને જિલ્લા કલેક્ટર સાથે સર્કિટ હાઉસમાં અગત્યની બેઠક યોજી હતી. આ બેઠકમાં કોરોના દર્દીઓની વધી રહેલી સંખ્યાને લઈને પ્રાઈવેટ હોસ્પિટલોમાં વધારો કરવામાં આવ્યો છે. જેમા સુરતની કિરણ હોસ્પિટલ અને મહાવીર હોસ્પિટલ સાથે પણ હાલ સંકલન થઇ રહ્યું હોવાનું જયંતિ રવિએ જણાવ્યું હતું. સાથેજ કતારગામ વિસ્તારમાં કેસોની સંખ્યા વધી છે જ્યા ખાસ કરીને રત્ન કલાકારો પોઝિટીવ આવી રહ્યા છે. જે અંગે સર્વેલન્સની કામગીરી વધારવામાં આવી છે તેવું પણ જયંતી રવીએ જણાવ્યું હતું.
જોકે પ્રાઈવેટ લેબમાં ટેસ્ટિંગના ભાવ વધારા અંગે જ્યારે જયંતી રવીને પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે સુપ્રિમકોર્ટની ગાઈડલાઈનની સરકાર દ્વારા રાહ જોવામાં આવી રહી છે. અને ગાઈડલાઈન બાદ કેન્દ્ર સરકાર દ્વારા જે આદેશ આપવામાં આવશે તે પ્રમાણે ભાવમાં ઘટાડો કરવામાં આવશે. ઉપરાંત સુરત સિવિલમાં કોરોના વોર્ડની ખરાબ પરિસ્થિતિ અંગે તેઓએ જણાવ્યું હતું કે સિવિલ ના ડોકટરો સાથે ચર્ચા કરવામાં આવી છે. જેથી કરી દર્દીઓને હવે યોગ્ય સારવાર મળી રહેશે. સાથેજ આરોગ્ય સચિવે એવું પણ કહ્યું કે લોકો સારવાર માં વિલંબ ના કરે અને તાત્કાલિક સારવાર કરાવે.