શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં સોમવારે સવારે આશરે ૪ઃ૫૬ કલાકે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. તે સમયે બધા લોકો ઘરમાં મીઠી નિંદ્રા માણી રહ્યા હતા જેથી તેમને ધરતીકંપનો અણસાર નહોતો આવ્યો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૫ નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની પૃષ્ટિ કરી હતી અને તેની તીવ્રતા ઓછી હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં ગત મહિને પણ ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. ગત મહિને પણ ભૂકંપના કારણે કાશ્મીર ઘાટીમાં બે વખત ધરતી ધણધણી ઉઠી હતી. થોડા દિવસો પહેલા જાન્યુઆરી મહિના દરમિયાન જમ્મુ કાશ્મીરમાં બે વખત ભૂકંપ આવ્યો હતો અને તે સમયે ડોડા જિલ્લાના ગંદોહ ખાતે જમીનની સપાટીથી ૧૦ કિમી નીચે ભૂકંપનું કેન્દ્ર નોંધાયું હતું.
ગત મહિને ૧૧ તારીખના રોજ ધરતીકંપ આવ્યો તેની તીવ્રતા ખૂબ જ વધારે હતી. તે સમયે ૫.૧ની તીવ્રતાના ભૂકંપના કારણે થોડા સમય માટે અફરા-તફરી મચી ગઈ હતી અને લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. જો કે તાજેતરના ભૂકંપની તીવ્રતા ઓછી હતી અને લોકો ઉંઘમાં હોવાથી તેનો અણસાર નહોતો આવ્યો.