લખનૌ : કોરોના સંક્રમણમાં થઈ રહેલા વધારા સાથે દેશમાં વેક્સિનેશન અભિયાન પણ ખૂબ જ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. લખનૌ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભારત બાયોટેકની કોવેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. આ દરમિયાન તેમણે વેક્સિન લેવા પાત્ર હોય તેવા લોકોને વેક્સિન લેવા વિનંતી પણ કરી હતી.
વેક્સિન લીધા બાદ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, ’દેશવાસીઓને ફ્રીમાં કોરોના વેક્સિન ઉપલબ્ધ કરાવી આપવા માટે વડાપ્રધાન મોદીજીનો આભાર, સાથે જ હું એ તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવું છું જેમણે યોગ્ય સમયે ભારતમાં બે વેક્સિન લોન્ચ કરી, આ વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે અને આપણે બધાએ આ વેક્સિન લેવી જોઈએ.’ ઉત્તર પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪,૧૬૪ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા ૧૯,૭૩૮ થઈ ગઈ છે. સંક્રમણના કારણે અત્યાર સુધીમાં ૮,૮૮૧ લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશમાં વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે આકરા પગલા લેવાની જાહેરાત કરી છે અને પ્રદેશમાં ફરી કન્ટેનમેન્ટ ઝોન બનાવવામાં આવશે.