અમદાવાદ : ઓએલએક્સ પર વેચાણ મૂકેલું આઈપેડ રૂપિયા ૧૫ હજારમાં ખરીદવાની વાત કરી ગઠિયાએ રૂપિયા ૬૬ હજારની ઠગાઈ આચરી હતી. યુવકને ગઠિયાએ આઈપેડના પૈસા ફોન પે પર ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. ફોન પેની સુવિધા પોતાના ફોનમાં ન હોવાથી યુવકે તેના મિત્રનો ફોન પે નંબર ગઠિયાને આપ્યો હતો.
ગઠિયાએ યુવકના મિત્રના ફોન પે એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરી પૈસા જમા કરવાની જગ્યાએ રૂપિયા ૬૬ હજાર ઉપાડી લીધા હતા. વસ્ત્રાપુર પોલીસે આ અંગે યુવકના મિત્રની ફરિયાદને પગલે સોમવારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
થલતેજના વેસ્ટએન્ડ પાર્કમાં રહેતાં દક્ષ દેવેન્દ્ર સિંગ (ઉં,૨૭)એ અજાણ્યા રાહુલ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ કરી છે. ફરિયાદ મુજબ દક્ષના મિત્ર જુગલ શાહએ તેનું આઈપેડ વેચવા માટે ઓએલએક્સ પર મૂક્યું હતું. જુગલ શાહને રાહુલકુમાર નામના વ્યક્તિએ ફોન કરી રૂપિયા ૧૫ હજાર આઈપોડ ખરીદવાની તૈયારી બતાવી હતી. જે પેટેની રકમ ફોન પે એપ્લિકેશનથી ટ્રાન્સફર કરશે તેમ જણાવ્યું હતું.
જુગલના ફોનમાં એપ્લિકેશન ન હોવાથી તેણે દક્ષ સિંગનો ફોન પે એપ્લિકેશન નંબર આપ્યો હતો. રાહુલએ દક્ષને ફોન કરી હું તમારા ખાતામાં મારા ખાતામાં ચેક કરવા માટે રૂપિયા ૨૦ ટ્રાન્સફર કરું છું તેમ કહ્યું હતું. બાદમાં દક્ષના ખાતામાં જુદા જુદા ટ્રાન્ઝેકશન થયા પણ પૈસા આવવાની જગ્યાએ રૂપિયા ૬૬ હજાર ઉપડી ગયા હતા.