-
કરજણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ‘વોટ ના બદલે નોટ’ના વિવાદ પોર ઇટોલા ગામમાં મતદારોને રૂપિયા વહેંચતો વીડિયો વાયરલ થયો છે…
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં કરજણ બેઠક પર પહેલેથી જ ગરમાવો જોવા મળ્યો હતો. અહી અનેક તાલુકામાં ભાજપના ઉમેદવારનો ખુલ્લો વિરોધ જોવા મળ્યો હતો. કારણ કે, ભાજપે આ બેઠક પર કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ત્યારે આજે પેટાચૂંટણી માં કરજણ બેઠક પર વોટના બદલે નોટ આપવાનો વીડિયો વાયરલ થયો છે.
કરજણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ‘વોટ ના બદલે નોટ’ના વિવાદ પોર ઇટોલા ગામમાં મતદારોને રૂપિયા વહેંચતો વીડિયો વાયરલ થયો છે. ભાજપ ઉમેદવાર અક્ષય પટેલને મત આપવા રૂપિયા આપતાં હોવાનો આ વીડિયો છે. આ વીડિયોમાં રૂપિયા આપનાર શખ્સનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. લોકોને રૂપિયા આપનાર શખ્સ ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને મત આપવા મતદારોને કહી રહ્યો છે. સાથે જ તેઓને 2000 રૂપિયાની નોટ આપી રહ્યો છે. કોંગ્રેસે આ વીડિયો જાહેર કરીને ભાજપ પર મત ખરીદીનો આક્ષેપ લગાવ્યો છે. સાથે જ ચૂંટણી પંચને તપાસ કરવા માંગ કરી છે.
આ વાયરલ વીડિયો અંગે ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ કહ્યું કે, કોંગ્રેસ હારે ત્યારે તેનું ઠીકરુ ભાજપ પર ફોડે છે. વીડિયોના આક્ષેપ પાયાવિહોણા છે. કોંગ્રેસ 30 વર્ષથી આવુ જ કરે છે. અમે માઈક્રો પ્લાનિંગ કરીને પેજ કમિટી સુધી પહોંચ્યા છે, કોંગ્રેસ બૂથ સુધી પણ પહોંચી નથી. કોગ્રસના આ ગતકડા વંશપરપરા હશે. આ સાથે જ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ તમામ 8 બેઠકો જીતવાનો દાવો કર્યો હતો. તેઓએ કહ્યુ કે, ગઢડા સહિત તમામ બેઠકો પર પેટા ચૂંટણીના પ્રમાણે સારું મતદાન થઈ રહ્યું છે. સુરતથી પણ મતદારો મતદાન કરવા આવ્યા છે. વિસ્તાર પ્રત્યેની તેમની લાગણી અને વિકાસની આશાના આધારે મતદાન કરશે. કોંગ્રેસ હાર ભાળી ગઈ છે એટલે આવા વીડિયો વાયરલ કરી આરોપ લગાવે છે, પૈસા આપવાથી મતદારો મત આપતા હોત તો આર્થિક સંપન્ન ઉમેદવારો ક્યારેય ચૂંટણી ના હારતા. ભાજપ સરકારે કરેલા વિકાસ કાર્યોના આધારે મત મળશે અને તમામ 8 બેઠકો જીતીશું.