છેલ્લા ૨૪ કલાકમાં ૫૪ સ્થળે વરસાદ…
છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ચોમાસું જામી ગયું હોય તેમ લાગી રહ્યું છે. ગતરાત્રે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા છોટાઉદેપુર જિલ્લાની નદીઓમાં નવા નીર આવ્યા છે. જેથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હેરણમાં નદીમાં પુર આવ્યા છે જ્યારે ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે. રાત્રે પડેલા જોરદાર વરસાદથી રાજવાસણા ડેમ પણ છલકાઈ ગયો છે.
હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આંકડા મુજબ છોટાઉદેપુરના ક્વાંટ પંથકમાં સૌથી વધુ ૯૩ મિમી એટલે કે પોણા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે હેરણ નદીમાં પુર આવ્યા છે. આસપાસના વિસ્તારના ગ્રામજનો નદીમાં આવેલા નવા નીર જોવા નદી કિનારે પહોંચી ગયા હતા અને દ્રશ્યો મોબાઈલમાં કેદ કર્યા હતા.
મીડિયા રિપોર્ટ મુજબ રાજ્યમાં સવાર સુધી છેલ્લા ૨૪ કલાકમાં ૫૪ સ્થળે વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુર જિલ્લામાં નોંધાયો હતો. ક્વાંટમાં અનરાધાર ૩.૭૨ ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વડામથક છોટાઉદેપુરમાં ૨.૬૪ ઈંચ વરસાદ થયો હતો. જેતપુર પાવીમાં ૧.૨ ઈંચ, બોડેલીમાં એક ઈંચ, નસવાડીમાં ૧૭ મિમિ અને સંખેડામાં ૮ મિમિ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓના તાલુકાઓમાં આજે સવારે ૬થી ૮ વાગ્યા દરમિયાન ૧૦ મિમીથી ૧ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મીડિયા રિપોર્ટ મુજબ ભાવનગરમાં ૨૬ મિમી, સુરતના ચોર્યાસી તાલુકામાં ૨૨ મિમી, તાપીના નિઝર તાલુકામાં ૧૭ મિમી અને વડોદરા ડભોઈ તાલુકામાં ૧૦ મિમી વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ક્વાંટમાં ૯૩ મિમી, છોટાઉદેપુરમાં ૬૬ મિમી, ભરૂચના નેત્રાંગમાં ૫૨ મિમી અને સુરતના કામરેજમાં ૪૮ મિમી જેટલો વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય તાલુકાઓમાં પણ ૧૦ મિમીથી ૨ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.