ઓટ્ટાવા : કેનેડામાં મુસ્લિમ સમુદાય પ્રત્યેની નફરતનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં એક વાહન ચાલકે જાણી જોઈને મુસ્લિમ પરિવારના સભ્યોને વાહનની ટક્કર મારી હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે અન્ય એક ઘાયલ વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ આ હુમલાની નિંદા કરી છે.
એવો આરોપ છે કે, વાહન ચાલકે પરિવારને મુસ્લિમ હોવાના કારણે ટાર્ગેટ કર્યુ હતુ. ઘટના રવિવારે સાંજે બની હતી. પોલીસે કહ્યુ હતુ કે, પીડિતોમાં ૭૪ વર્ષની એક મહિલા, ૪૬ વર્ષનો પુરુષ, ૪૪ વર્ષની મહિલા અને ૧૫ વર્ષની કિશોરી સામેલ છે. નવ વર્ષનુ એક બાળક હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યુ છે.
આ સંદર્ભમાં વાહનચાલકની પોલીસે ધરપકડ કરીને તેની સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે કહ્યુ હતુ કે, ૨૦ વર્ષીય નાથનીલ વેલ્ટમેન ઓન્ટારિયોના લંડન શહેરનો રહેવાસી છે. તે ભોગ બનનાર પરિવારને જાણતો નહોતો. રસ્તાના એક ટર્નિંગ પર તેના વાહન હેઠળ પરિવારના સભ્યો કચડાયા હતા. વાહન ચાલકને એક મોલના પાર્કિંગ એરિયામાંથી પકડવામાં આવ્યો હતો.
લંડન શહેરની પોલીસનુ કહેવુ છે કે, અમારુ માનવુ છે કે, પીડિત પરિવારને એટલે ટાર્ગેટ બનાવાયો છે કે, તે મુસ્લિમ છે. કોઈ પણ સમુદાયને નફરતની ભાવનાથી જો નિશાન બનાવવામાં આવે તો તે સમુદાયમાં ગભરાટની લાગણી ફેલાતી હોય છે. દરમિયાન કેનેડાના પીએમ ટ્રુડોએ આ ઘટનાને વખોડી કાઢી છે અને આરોપી સામે આકરી કાર્યવાહી થશે તેવુ પણ કહ્યુ છે.