કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ, મોદી કેબિનેટમાં લેવાયો નિર્ણય…
ડીએ ૧૨ ટકાના બદલે ૧૭ ટકા મુજબ ચૂકવાશે, કેન્દ્રના ૫૦ લાખ કર્મીઓ અને ૬૫ લાખ પેન્શનધારકો આનો લાભ મળશે, સરકાર ઉપર રૂ. ૧૬ હજાર કરોડનો બોજો પડશે…
ન્યુ દિલ્હી : કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ તેજ પેન્શનધારકોને દિવાળી પૂર્વે જ ભેટ આપી છે. કેબિનેટ બેઠકમાં મોદી સરકારે સરકારી કર્મચારીઓ માટેનું મોંઘવારી ભથ્થું ૫% વધારતા હવેથી ડીએ ૧૨%ના બદલે ૧૭% મુજબ ભથ્થું ચૂકવવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગેનીજાહેરાત કરતા જણાવ્યું કે, મોદી સરકારના આ નિર્ણયથી ૫૦ લાખ કર્મીઓ અને ૬૫ લાખ પેન્શનધારકો આનો લાભ થશે. કેન્દ્રના આ નિર્ણયથી ૧૬,૦૦૦ કરોડનો વધારાનો બોજ પડશે. આ સાથે જ પીઓકેથી આવેલા વિસ્થાપિતો માટે ૫.૫ લાખ રૂપિયાની આર્થિક સહાય પણ કેન્દ્ર આપી છે.
કેન્દ્રીય મંત્રીએ સરકારી કર્મચારીઓને તહેવારોની મોસમમાં ભેટની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ‘વડાપ્રધાન મોદીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી કેબિનેટ બેઠકમાં સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ૫% વધારીને ૧૭% ટકા કરાયું છે. દિવાળીના તહેવારોમાં ૫૦ લાખ સરકારી કર્મીઓ અને ૬૫ લાખ પેન્શનધારકોને આનો લાભ મળશે. મોદી સરકારના નેતૃત્વમાં અનેક ક્ષેત્રે અમે સારું કામ કર્યું છે અને તેની અસર પણ જોવા મળી રહી છે. જાવડેકરે જણાવ્યું કે પ્રથમ વખત એક જ વખતમાં પાંચ ટકા મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરાઈ છે. જાવડેકરે જણાવ્યું કે કેબિનેટે આશા વર્કરોનું ભથ્થું ૧૦૦૦ રૂપિયાથી વધારી ૨૦૦૦ રૂપિયા કરવાની પણ મંજૂરી આપી દીધી છે.
પ્રકાશ જાવડેકરે પીઓકે વિસ્થાપિતો માટે વળતરની જાહેરાત કરતા જણાવ્યું કે આનાથી ઐતિહાસિક ભૂલને સુધારવાની તક મળશે. કેબિનેટ દ્વારા જમ્મુ-કાશ્મીર માટે ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. પીઓકેથી વિસ્થાપિત થઈને ૫૩૦૦ પરિવારો દેશના બીજા હિસ્સામાં વસ્યા હતા અને ફરી જમ્મુ-કાશ્મીરમાં પરત આવ્યા છે તેમને ૫.૫ લાખ રૂપિયાની આર્થિક મદદ કેન્દ્ર દ્વારા આપવામાં આવશે.
કેન્દ્રીય કેબિનેટમાં આયુષ્માન ભારત યોજનામાં વધુ ઝડપ લાવવા માટેનો નિર્ણય પણ લેવાયો હતો. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં બે રાજ્યો પશ્ચિમ બંગાળ અને દિલ્હીએ આ યોજનાનો અમલ શરૂ કર્યો નથી. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં ૩૧ લાખ ગરીબ લોકોએ પાંચ લાખની તબીબી સારવાર માટેના કાર્ડ બનાવ્યા છે.
ખેડૂતો માટે વડાપ્રધાન સમ્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડની વિગતો આપવાની મુદત પણ લંબાવીને ૩૦ નવેમ્બર કરવામાં આવી છે. અગાઉ ૧ ઓગસ્ટ ૨૦૧૯ અંતિમ તારીખ હતી.