સુપ્રિમ કોર્ટે કેરળ હાઇકોર્ટના ૩૧ જાન્યુ. ૨૦૧૧ના આદેશને રદ્દ કર્યો…
પદ્મનાભસ્વામી મંદિરના બાબતોના મેનેજમેન્ટવાળી પ્રશાસનિક સમિતિની અધ્યક્ષતા તિરૂવનંતપુરમના જિલ્લા ન્યાયાધીશ કરશે, કેરળનું આ પ્રસિદ્ધ મંદિર ભારતના ધનિક મદિરો પૈકી એક, મંદિરની પાસે લગભગ બે લાખ કરોડની સંપત્તિ, ૫૦૦૦ વર્ષ જૂનું છે પદ્મનાભસ્વામી મંદિર…
ન્યુ દિલ્હી : કેરળના શ્રી પદ્મનાભસ્વામી મંદિરના પ્રશાસન અને તેની સંપત્તિના અધિકારને લઈ આજે સુપ્રીમ કોર્ટ ચુકાદો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટના ચુકાદાને પલટતાં દેશના સૌથી વધુ સંપત્તિવાળા મંદિરો પૈકીના એક શ્રી પદ્મનાભસ્વામી મંદિરના મેનેજમેન્ટનો અધિકાર ત્રાવણકોરના પૂર્વ શાહી પરિવારને આપ્યો છે. મળતી માહિતી મુજબ, મંદિરની પાસે લગભગ બે લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. કેરળ હાઈકોર્ટના ચુકાદાને શાહી પરિવારે સુપ્રીમમાં પડકાર્યો હતો.
શ્રી પદ્મનાભસ્વામી મંદિરને લઈ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એ વાતનો ચુકાદો આપવામાં આવ્યો છે કે પદ્મનાભસ્વામી મંદિરના મેનેજમેન્ટની જવાબદારી ત્રાવણકોરના પૂર્વ શાહી પરિવારને આપવામાં આવશે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તિરુવનંતપુરમના જિલ્લા જજની અધ્યક્ષતાવાળી કમિટી હલા મંદિરની વ્યવસ્થા જોશે.
નોંધનીય છે કે, કેરળ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૧માં પદ્મનાભસ્વામી મંદિરના અધિકાર અને સંપત્તિને લઈ મોટો ચુકાદો આપતા તેની પર રાજ્ય સરકારનો અધિકાર ગણાવ્યો હતો. કેરળ હાઈકોર્ટના ચુકાદાને પૂર્વ ત્રાવણકોરર શાહી પરિવારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં ૮ વર્ષથી વધુ સમય સુધી સુનાવણી થઈ. આ મામલામાં એપ્રિલમાં સુનાવણી બાદ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની બેન્ચે ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો.
મંદિરનું નિર્માણ ક્યારે થયું, તે અંગે કોઈ મજબૂત પ્રમાણ મળતું નથી. ઈતિહાસકાર ડૉ. એલ. કે. રવિ વર્મા અનુસાર મંદિર લગભગ ૫૦૦૦ વર્ષ જૂનું છે. જ્યારે માનવ સભ્યત કળયુગમાં પહોંચી હતી. આમ તો મંદિરના સ્ટ્રક્ચરના હિસાબથી જોઈએ તો માનવામાં આવે છે કે કેરળના તિરુઅનંતપુરમાં આવેલા પદ્મનાભસ્વામી મંદિરની સ્થાપના સોળમી સદીમાં ત્રાવણકોરના રાજાઓએ કરી હતી. ત્યારબાદથી જ અહીંના રાજા આ મંદિરને માનતા રહ્યા. વર્ષ ૧૭૫૦માં મહારાજ માર્તંડ વર્માએ પોતાને પદ્મનાભ દાસ જાહેર કરી દીધા. તેની સાથે સમગ્ર રાજ ઘરાના મંદિરની સેવામાં લાગી ગયો. હજુ પણ શાહી ઘરાનાને આધીન એક પ્રાઇવેટ ટ્રસ્ટ મંદિરની દેખરેખ રાખે છે.
કેરળનુ આ પ્રસિદ્ધ મંદિર ભારતના ધનિક મંદિરો પૈકી એક માનવામાં આવે છે, આ સિવાય આ મંદિરની ચારે બાજુ અનેક રહસ્યો છુપાયેલા હોવાનું પણ માનવામાં આવે છે. આ મંદિરનો સાતમો દરવાજો દરેક માટે એક કોયડા સમાન છે, કારણ કે આ દરવાજો આજ દિન સુધી ખોલી શકાયો નથી. સૌથી હેરાન કરનાર વાત એ છે કે આ સાતમો દરવાજો લાકડાનો બનેલો છે અને તેને ખોલવા કે બંધ કરવા માચે કોઇ પ્રકારની સાંકળ, નટબોલ્ટ, તાળુ લગાવવામાં આવ્યુ નથી. આ દરવાજો કેવી રીતે બંધ છે એ આજે પણ અકબંધ રહસ્ય છે.