Charotar Sandesh
ઈન્ડિયા

કોંગ્રેસના પગલે ચાલ્યા હોત તો સમસ્યાઓ યથાવત્‌ રહી હોત : વડાપ્રધાન મોદી

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણના બહાને વડાપ્રધાનના વિપક્ષ પર ચાબખાં…

ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પરના આભાર પ્રસ્તાવ અંગે થયેલી ચર્ચાના જવાબમાં કોંગ્રેસ, નાગરિકતા કાયદાનો વિરોધ કરનારાઓ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમના વિશે કરેલી ટીપ્પણી, સિખ રમખાણો વગેરે.ના મુદ્દે રાજકિય પ્રહારો કરીને સણસણતા ચાબખા માર્યા હતા. અને એક તબક્કે રાહુલ માટે પરોક્ષ રીતે ટ્યુબલાઇટ સાથે સરખામણી કરીને વ્યંગ કર્યો હતો કે જેમ ટ્યુબલાઇટને સળગવા માટે કરંટ લાગતાં વાર લાગે તેમ રાહુલને મારી વાત સમજવામાં વાર લાગે છે…” બેકારીના મુદ્દે યુવાનો મોદીને ડંડા મારશે એવી રાહુલની ટીપ્પણીના જવાબમાં મોદીએ રાહુલે જવાબ આપ્યો કે વાંધો નહીં ડંડા ખાવાની સહનશક્તિ વધારવા તેઓ સૂર્ય નમસ્કારની સંખ્યા વધારીને પોતાની પીઠ મજબૂત કરશે. પણ મારી નિંદા કરવાનું કામ કરતાં કોંગ્રેસ અને અન્ય વિરોધીઓને તેમની નિંદાત્મક બેકારી દૂર કરવાનું કામ હું નહીં કરૂ… પીએમ મોદીએ એવુ અવલોકન કર્યું કે કોંગ્રેસ માટે મુસ્લિમ સમુદાયનો માણસ માત્ર મુસ્લિમ છે પરંતુ અમારા માટે પ્રત્યેક મુસ્લિમ હિન્દુસ્તાની અને ભારતીય છે.

નાગરિકતા કાયદો કોઇનું નાગરિક્ત્વ ઝીનવી લેવા માટે નથી પણ નાગરિક્તા આપવા માટે છે એવો ફરીએક વાર ખુલાસો સંસદમાં કર્યો હતો. ભારતના ભાગલા માટે તેમણે કોંગ્રેસને જવાબદાર ઠેરવીને કહ્યું કે કોઇને વડાપ્રધાન બનાવવા માટે દેશ પર રેખા ખેંચવામાં આવી હતી. તેમનો ઇશારો પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ પર હતો.મોંઘવારી અને ફૂગાવો નિયંત્રણ રાખવામાં તેમની સરકાર સફળ રહી હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. રૂઢી પ્રમાણે નબળા અને હારેલા લોકો ચાલે છે અમને તો અમારા બનાવેલા રસ્તા પર ચાલવાનું ગમે છે એમ તેમણે શાયરાના અંદાજમાં જવાબ વાળતા એમ પણ કહ્યું કે જો અમે અગાઉની સરકારના રસ્તે ચાલ્યા હોત તો અનુચ્છેદ ૩૭૦ ક્યારેય રદ્દ થયું ના હોત.

વડાપ્રધાન મોદીએ ગુરુવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર થયેલી ચર્ચાનો જવાબ આપ્યો હતો. આ દરમ્યાન તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને લોકસભામાં જ્યારે પોતાની વાત કહેવાની શરૂ કરી ત્યારે લોકસભામાં કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કેટલાક નેતઓની સાથે મહાત્મા ગાંધી જિંદાબાદના નારા લગાવવાની શરૂઆત કરી દીધી. તેની પર વડાપ્રધાને પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, બસ આટલું જ? તેની પર કૉંગ્રેસ નેતા અધીર રંજન ઊભા થયા અને કહ્યું કે આ તો માત્ર ટ્રેલર છે. તેની પર પીએમ મોદીએ વળતો જવાબ આપતાં કહ્યું કે આપના માટે ગાંધીજી ટ્રેલર હોઈ શકે છે, અમારા માટે જિંદગી છે.

પીએમ મોદીએ કહ્યું કે, જો તમારા બનાવેલા રસ્તા પર ચાલતા તો આજે પણ મંદિર વિવાદ રહેતો. બાંગ્લાદેશ સાથે સીમા વિવાદ સુલઝતો નહીં. પીએમે કહ્યું કે, જો અમે કોંગ્રેસનાં રસ્તા પર ચાલતા તો ૫૦ વર્ષ પછી પણ શત્રુ સંપત્તિ કાયદો અટકી રહેતો. ૩૫ વર્ષ પછી પણ દેશમાં લડાકૂ વિમાન બનતા નહીં. ૨૦ વર્ષ પછી પણ સીડીએસની નિયુક્તિ ન થાત. ન તો ત્રણ તલાક હટતો કે ૩૭૦ પણ રહી જાત. અમને અહીં આવીને કામ કરવાની તક મળી છે.

વડાપ્રધાને કહ્યું હતું કે, કેટલાક લોકો કહી રહ્યાં છે કે, નાગરિકતા કાયદો લાવવાની આટલી બધી ઉતાવળ જ કેમ હતી. કેટલાક લોકો કહી રહ્યાં છે કે, અમે હિંદુ-મુસલમાન કરી રહ્યાં છીએ. અમે લોકોને વિભાજીત કરવા માંગીએ છીએ. જોરદાર જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે, જે લોકો અમારા પર આ પ્રકારના આરોપ લગાવી રહ્યાં છે તેઓ જ ટુકડે-ટુકડે સમુદાયના લોકોની સાથે છે. તેમની સાથે ફોટા પડાવી રહ્યાં છે. જ્યારે આ પ્રકારની ભાષા પાકિસ્તાનની છે. આ લોકોએ દેશના મુસલમાનોને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો છે, પણ તેમનું નિવેદન કામ ના આવ્યું. કોંગ્રેસ માટે તો જે લોકો મુસ્લિમ છે તે અમારા માટે હિંદુસ્તાની છે.

નાગરિકતા કાયદાના કારણે હિન્દુસ્તાનના કોઈ પણ નાગરિક પર કોઈ પણ જાતની અસર થવાની નથી.જે લોકોને દેશની જનતાને નકારી કાઢ્યા છે તેઓ વોટબેન્કની રાજનીતિ કરવા માટે ભ્રમણાઓ ફેલાવી રહ્યા છે.કોંગ્રેસ લઘુમતીઓના નામ પર રોટલા શેકે છે પણ કોંગ્રેસને દિલ્હીના શીખ વિરોધી તોફાનો યાદ નથી..શું શીખો અલ્પસંખ્યક નહોતા..ત્યારે શીખોને સળગાવાયા હતા અને આ આરોપીઓને જેલમાં નહોતા મોકલાયા ..જેમના પર તોફાનો ભડકાવવાનો આરોપ છે તેમને સીએમ બનાવી દીધા છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમારી સરકાર આવવાથી દેશ બદલાયો છે, અમારી સરકાર જુની પદ્ધતિથી નથી ચાલતી. અમે કેટલાય નવા બદલાવો કર્યા છે. જ્યારે વિપક્ષ મને પૂછે છે કે, આ કામ કેમ ના થયું? તો હું તેને આલોચાના નથી સમજતો હું તેને માર્ગદર્શન સમજૂ છું. તમે મારી પર વિશ્વાસ વ્યક્ત કર્યો કે, કરશે તો આજ વ્યક્તિ. કિસાન સમ્માન યોજના અંતર્ગત તેમના ખાતામાં મધ્યસ્થીઓ વિના ૪૫ હજાર કરોડ રુપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકાર લીકથી હટીને કામ કરી રહી છે. અમે બહુ તેજ ગતિથી વિકાસના કાર્યો પૂર્ણ કરી રહ્યા છીએ. હવે કામની સ્પીડ પણ વધી છે અને સ્કીલ પણ. વડાપ્રધાને લોકસભામાં રામ મંદિરનો મુદ્દો પણ ઉઠાવ્યો. પીએમ મોદીએ કહ્યું કે જો અમે જૂની ઢબ પર ચાલ્યા હોત તો રામ મંદિરનો દાયકાઓ જૂનો મામલો ન ઉકેલાયો હોત. બોડો ઉગ્રવાદીઓ સાથે થયેલી સમજૂતિના બહાને પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે પહેલા ફક્ત કાગળ પર જ સમજૂતિ થતી હતી.

વડાપ્રધાન મોદીએ પંડિત જવાહરલાલ નેહરુનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, પંડિત નેહરુ આટલા મોટા વિચારક હતા, તો પછી તેમણે તે સમયે ત્યાંના લઘુમતિઓની જગ્યાએ ત્યાંના તમામ નાગરિકોને સમજૂતિમાં સામેલ કેમ ના કર્યા? જે વાત આજે અમે જણાવી રહ્યાં છે, તે વાત નેહરૂએ પણ કહી હતી. શું નેહરુ સાંપ્રદાયિક હતા?

પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ સંવિધાન બચાવોની વાત કરે છે. પરંતુ તેમણે ઇમરજન્સીમાં સંવિધાન બચાવવાનું યાદ રહ્યું નહોતું. તેમણે દાહ દહેલવીનો શેર લલકારતા કહ્યું કે, ખૂબ પર્દા હૈ કિ ચિલમન સે લગે બૈઠે હૈ, સાફ છિપતે ભી નહીં, સામને આતે ભી નહીં.

Related posts

દિલ્હી : સર ગંગા રામ હોસ્પિટલમાં ઓક્સિજનના ઓછા દબાણને કારણે ૨૫ દર્દીઓના મૌત…

Charotar Sandesh

પ્રણવ મુખર્જીની તબિયત વધારે બગડી, સતત વેન્ટિલેટરના ટેકા પર…

Charotar Sandesh

ખેડૂતોના આંદોલનને વિદેશમાંથી મળ્યું સમર્થન, રિહાના અને ગ્રેટા થનબર્ગે કર્યું ટ્‌વીટ…

Charotar Sandesh