ગાંધીનગર : રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના ૩ ઉમેદવાર જાહેર કરી દીધા છે. ભાજપે અગાઉ ગુજરાત ભાજપના બે ઉમેદવારો જાહેર કર્યા હતા. તેમાં રાજ્યસભાના ઉમેદવાર તરીકે રાજકોટના જાણીતા વકીલ અને નેતા નીતિન ભારદ્વાજના ભાઈ અભય ભારદ્વાજ અને સાબરંકાઠાના રમીલા બારાની પસંદગી કરી હતી. ત્યારબાદ કોંગ્રેસે પોતાના બન્ને ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ ભાજપે ત્રીજી બેઠક માટે પોતાનો એક્કો ઉતાર્યો હતો. રાજ્યસભાના ભાજવપના ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને જાહેર કર્યા છે. આજે તેઓ વિજય મૂર્હતમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે.
આજે ઉમેદવારી ભરતા અગાઉ નરહરિ અમીને જણાવ્યું હતું કે, કોંગ્રેસના અનેક ધારાસભ્યો કોંગ્રેસથી દુઃખી છે. અને તેમણે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસમાં આંતિરક જુથવાદ છે, અનેક ધારાસભ્યો નારાજ છે. હું તમામ ધારાસભ્યોને મળીશ, ભારતીય જનતા પાર્ટીનો ત્રણેય બેઠકો પર વિજય થશે. ભાજપને ત્રણેય બેઠક જીતવામાં કોઈ તકલીફ નહીં પડે તેવો દ્દઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
નરહરિ અમીને વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં સખત નારાજગી છે. કોંગ્રેસમાં ગ્રુપ પડેલા છે તેના કારણે કોંગ્રેસની દરેક જગ્યાએ પછડાટ મળી રહી છે. આ વખતે પણ ભાજપના ત્રણેય ઉમેદવાર વિજયી બનશે. કોંગ્રેસમાં આંતરિક લડાઈને કારણે અમે જીતીશું. કોંગ્રેસની નારાજગીનો લાભ અમને મળશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, હાઇકમાન્ડ નેતાઓને અંદરો અંદર લડાવે છે. ભાજપના સરપ્લસ વોટ, કોંગ્રેસની લડાઈ છે. દરેક ધારાસભ્યો તરીકે તેમની નારાજગી છે. તે લોકો અંતરઆત્માનો અવાજ સાંભળશે. ૨૬મી માર્ચે સાંજે ખબર પડશે કેટલું ક્રોસ વોટિંગ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ત્રણ ઉમેદવારો જાહેર કર્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ પોતાનો ત્રીજો ઉમેદવાર જાહેર કરશે. કોંગ્રેસ અનેભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આજે ચૂંટણીનું ફોર્મ ભરવાના અંતિમ દિવસે ફોર્મ ભરશે. આગામી ૨૬મી માર્ચે ગુજરાતના ધારાસભ્યો ચૂંટણીમાં મતદાન કરશે.