ન્યુ દિલ્હી : કોંગ્રેસનું ‘મહાભારત’માં ‘પિક્ચર અભી’ બાકી લાગી રહ્યું છે. સોમવારના રોજ સોનિયા ગાંધીને ફરીથી પાર્ટીના વચગાળાના અધ્યક્ષા તરીકે પસંદ કર્યા બાદ તેમણે ચિઠ્ઠી લખનાર ‘વિરોધી’ નેતાઓ આગળની રણનીતિ પર બેઠક કરી હતી. આ બેઠક બાદ આજે કપિલ સિબ્બલે એક ટ્વીટ કરી છે તેના પરથી અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. આપને જણાવી દઇએ કે ગુલામ નબી આઝાદ સહિત કોંગ્રેસના ૨૩ નેતાઓએ સંગઠન બદલવા માટે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. આ પત્ર બાદથી પાર્ટીમાં હલચલ મચી ગઈ છે. બીજી તરફ સસ્પેન્ડ નેતા સંજય ઝાએ ચુટકી લેતા પાર્ટીમાં ચાલી રહેલા ઝઘડાને અંતની શરૂઆત ગણાવી દીધી છે.
સિબ્બલના ટ્વીટ પર આજે ઘણી અટકળો શરૂ થઈ ગઈ છે. તેમણે ટિ્વટ કરીને લખ્યું, ‘આ કોઈ પદની વાત નથી. આ મારા દેશની વાત છે જે સૌથી મહત્વની છે.’ આપને જણાવી દઇએ કે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં સોનિયા ગાંધીને ફરીથી પાર્ટીના વચગાળાના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
સિબ્બલના ટિ્વટ પર બળવો કરે તેવી ગંધ આવે છે. રાહુલ ગાંધીની નારાજગીના સમાચાર બાદ તેમણે ગઈકાલે પણ ટ્વીટ કરી હતી. જો કે બાદમાં તેમણે આ ટ્વીટ હટાવતા કહ્યું કે રાહુલે તેમને કહ્યું કે તેમણે એવું કંઈ જ કહ્યું નથી.
સંજય ઝાએ કહ્યું- અંતની શરૂઆત છે…
કોંગ્રેસમાંથી સસ્પેન્ડ નેતા સંજય ઝાએ આજે ટિ્વટ કરી કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે આ અંતની શરૂઆત છે. સંજયે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે કોંગ્રેસના ૧૦૦થી વધુ નેતાઓએ લીડરશીપમાં ફેરફાર માટે સોનિયાને લેટર લખ્યો છે. જોકે કોંગ્રેસે તે સમયે તેનાથી ઈન્કાર કર્યો હતો.