કોંગ્રેસમાં ગાંધી પરિવાર સામે અસંતોષ? નેતાઓનો સ્ફોટક નિવેદન…
કોંગ્રેસ હાઇકમાન્ડ વિરુદ્ધ નારાજગી ચરમસીમાએઃ શશી થરૂરનો ધ્રૂજારો
ન્યુ દિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં શરમજનક પ્રદર્શન બાદ કોંગ્રેસ પાર્ટીમાં ઉભો થયેલો વિવાદ હવે બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. હવે ધીમે ધીમે આ વિરોધ ગાંધી પરિવાર વિરૂદ્ધ વિદ્રોહનું સ્વરૂપ લેતો જણાય છે. દિલ્હીના જ પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર અને દિલ્હી કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંદીપ દીક્ષિત હાઈકમાન્ડ તરફથી નક્કી કરવામાં આવી રહેલી નીતિઓ પર હવે ખુલીને મેદાને આવ્યા છે.
પાર્ટીની વરિષ્ઠ નેતા શશિ થરૂરે પણ સંદીપના નિવેદનનું ખુલીને સમર્થન કરતા સ્વિકાર્યું છે કે, દેશભરના કોંગ્રેસી નેતાઓ અને હાઈકમાન્ડ વિરૂદ્ધ ભારે નારાજગી છે. આમ પણ મધ્ય પ્રદેશ, રાજસ્થાનથી લઈને પંજાબ સુધીના રાજ્યોમાં કોંગ્રેસ નેતાઓમાં ઉભા થયેલા વિવાદ દર્શાવે છે કે, પાર્ટી નેતાઓ પર હવે ગાંધી પરિવારનો પ્રભાવ ધીમે ધીમે ઘટી રહ્યો છે.
સંદીપ દીક્ષિતે હવે ખુલીને ગાંધી પરિવાર વિરૂદ્ધ બોલતા કહ્યું છે કે, આટલા મહિનાઓ બાદ પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા નવો અધ્યક્ષ નથી નીમી શક્યા. તેનું કારણ એ છે કે, બધા હવે ડરે છે કે, બિલાડીના ગળામાં ઘંટડી કોણ બાંધે. કોંગ્રેસ પાસે નેતાઓની કોઈ જ કમી નથી. હાલ પણ પાર્ટીમાં ૬ થી ૮ નેતાઓ છે જે અધ્યક્ષ બનીને પાર્ટીનું નેતૃત્વ કરી શકે છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર નિશાન તાકતા તેમણે કહ્યું હતું કે, ક્યારેક તમે જાતે જ નિષ્ક્રિયતા ઈચ્છો છો કારણ કે તમે જ નથી ઈચ્છતા કે કંઈ થાય.
સંદીપ દીક્ષિતને કોંગ્રેસના જ વરિષ્ઠ નેતા શશિ થરૂરનું પણ સમર્થન મળ્યું છે. તેમણે કહ્યું છે કે, કોંગ્રેસ હાઈકમાન્ડ વિરૂદ્ધ નારાજગી ચરમશીમાએ છે, જે દબાયેલા અવાજમાં સામે પણ આવતી રહે છે. શશિ થરૂરે ટિ્વટ કરીને કહ્યું હતું કે, સંદીપ દીક્ષિતે કહ્યું હતું કે, તે દેશભરમાં પાર્ટીના ડઝનબંધ નેતાઓ અંગત રીતે કહી રહ્યાં છે. તેમાંથી અનેક નેતાઓ તો પાર્ટીમાં જવાબદાર પદ પર બેઠેલા છે. તેમણે કહ્યું હતું કે, હું સીડબ્લ્યૂસીને ફરી આગ્રહ કરૂ છું કે, કાર્યકર્તાઓમાં ઉર્જાનો સંચાર કરવા અને મતદાતાઓને પ્રેરિત કરવા માટે નેતૃત્વની પસંદગી કરાવો.
તેમણે આગળ ઉમેર્યું હતું કે, અમરિંદર સિંહ, અશોક ગહલોત, કમલનાથ, આ લોકો કેમ સાથે નથી આવતા અને બીજા લોકોને પણ કેમ સાથે નથી લાવતા? એ કે એન્ટની, પી ચિદમ્બરમ, સલમાન ખુર્શીદ, અહમદ પટેલ આ બધાએ કોંગ્રેસ માટે મહાન કામ કર્યા છે. પણ હવે આ તમાનની રાજકીય કારકિર્દી ઉતાર પર છે. તેમની પાસે હવે વધુમાં વધુ ૫ વર્ષ છે. મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે, તેઓ બૌદ્ધિક યોગદાન આપે. તેઓ કેન્દ્રમાં, રાજ્યોમાં અને અન્ય જગ્યાઓ પર લીડરશીપની પસંદગી પ્રક્રિયામાં જઈ શકે છે.
સંદીપ દીક્ષિત ગાંધી પરિવાર વિરૂદ્ધ જે રીતે બોલી રહ્યાં છે તેવુ કહેવાની હિંમત ભાગ્યે જ કોઈ કોંગ્રેસ નેતા બોલવાની હિંમત કરે. જોકે એ વાત અલગ છે કે કોંગ્રેસ પરિવાર વિરૂદ્ધ હવે નારાજગી તેની ચરમશીમાએ છે જે રાષ્ટ્રીયતથી રાજ્ય સ્તરના કોંગ્રેસી નેતાઓ દ્વારા દબાયેલા અવાજમાં અવારનવાર ખુબ જ સાંભળવા મળે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર પણ આ વાતની વાકેફ છે અને માટે જ તેઓ ખુલીને સામે આવ્યા છે.